પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


શીતલસિંહ : ઘણી ખમા મહારાજ ! એ શું બોલ્યા ! હું તો આપનો વફાદાર ને આજ્ઞાધીન સેવકા છું. પણ અરે ! પણે નદીમાં શો ચમત્કાર દેખાય છે ? વહેતા પાણીમાં દીવા તણાયા જાય છે. એક જાય છે ને બીજો આવે છે ! ત્યાં માણસ તો કોઈ દેખાતું નથી !
રાઈ : દેખાવ અદ્ભુત છે. તમે નદીકિનારે જઈને જોઈ આવો તો એ દીવા મૂળ ક્યાંથી આવે છે.
શીતલસિંહ : રાત અંધારી છે, ચંદ્ર હજી ઊગ્યો નથી, ને એ દીવા તે કોણ જાણે શું હોય ?
રાઈ : તમે બીઓ છો?
શીતલસિંહ : મહારાજ ! બીવાનું કારણ છે.
રાઈ : જેની કેડે તરવાર હોય તેને બીવાનું કારણ હોય જ નહિ.
શીતલસિંહ : મારી તો હિંમત નથી ચાલતી. મારાથી તો નહિ જવાય.
રાઈ : હિંમતથી ના જવાતું હોય તો આજ્ઞાથી જાઓ. તમે હમણાં જ કહ્યું કે ‘હું આપનો આજ્ઞાધીન સેવક છું.’
શીતલસિંહ : આપ હુકમ કરીને મોકલો તો હું જાઉં છું, પણ હું બૂમ પાડું તો આપ આવી પહોંચજો. (છીંડામાંથી નીકળી દીવા તરફ જાય છે)
રાઈ :

પાડ્યું પર્વતરાય ગુર્જરનૃપે આ છિદ્ર જે વાડમાં,
ત્યાંથી તેમનું મૃત્યુ પેઠું, વળી તે સંતાપ પેઠા મુજ;
પેટી રાજ્યની ક્રાંતિ કોઈ કપરી, સંગ્રામ પેઠા કંઈ,
ભાવી શી ઈતિહાસસૃષ્ટિ બનશે એ એક ચેષ્ટા થકી ? ૫૫

ગમે તે પરિણામ થાઓ , પણ મારી ગ્રન્થિઓનો ભેદ થયો છે અને મારા સંશયોનો છેદ થયો છે, એટલે હું નિશ્ચિન્ત છું. [૧]પરંતુ, એ નિશ્ચિન્તતાથી પર્યાપ્તિ નથી લાગતી

૯૦
રાઈનો પર્વત
 
  1. પૃષ્ઠ ૧૭૭