પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



કર્યું છે ? આપની ચિંતાનું જે કાંઈ કારણ હોય તે મને સત્વર કહો.” પત્નીથી કાંઈ પણ ગુપ્ત નહિ રાખવાના વિચારવાળા નાગસારથિએ ખુલ્લે હૃદયે પોતાની ચિંતાનું કારણું કહ્યું. સતી સુલસા જ્ઞાની હતી. એણે પતિનો શોક નિવારણ કરવા કહ્યું: “આપે એવી મિથ્યા ચિંતા કરવી ઘટતી નથી. પુત્ર વગરનો માણસ નરકમાંજ જાય એવું આપણાં શાસ્ત્ર કહેતાં નથી. મનુષ્યને સ્વર્ગ કે નરક પોતાના કર્મના ફળરૂપે જ મળે છે. ગમે તેવો ગુણવાન પુત્ર પણ માતપિતાને સ્વર્ગ અપાવી શકતો નથી. એ કાર્ય તો કેવળ ધર્મ જ કરી શકે છે. બહુ પુત્રોમાંજ ધૃતરાષ્ટ્રનું ગોત્ર ક્ષીણ થઈ ગયું. સાઠ હજાર પુત્રો હોવા છતાં સગર રાજા દુઃખમાંજ મરણ પામ્યો. હા, એટલું ખરૂં કે, સદ્‌ગુણી પુત્ર વડે ડાહ્યા મનુષ્યો સંસારને આગળ વધારે છે.” પત્નીનાં વચનોથી નાગસારથિને કાંઈક શાંતિ વળી, પણ એની પુત્રલાલસાનો લોપ ન જ થયો. તેણે કહ્યું: “વહાલિ ! તું કહે છે તે બધું ખરૂં, પણ સંસારી જનોને ત્રણ સ્થાન વિશ્રામરૂપ છે. પ્રિય સ્ત્રી, વિનયી પુત્ર અને સર્વ ગુણોમાં ઉત્તમ એવો સત્સંગ. પુત્રદ્વારા માતાપિતા પોતાના સદાચાર અને સદ્‌ગુણોનો વેલો લંબાવે છે અને પછીથી જો તેને યોગ્ય શિક્ષણદ્વારા પોષણ આપવામાં આવે તો એ પુત્ર દ્વારા એમની કીર્તિ કાયમ રહે છે.”

એ સાંભળી સુલસાએ કહ્યું: “ સ્વામીનાથ ! મારી ઉંમર મોટી થઈ છે. મારા ઉદરમાં હવે સંતાનોત્પત્તિ થાય એવું લાગતું નથી, માટે આપ બીજી વાર લગ્ન કરો. ભગવાન આપની અભિલાષા પૂર્ણ કરશે.”

પરંતુ નાગસારથિ એક પત્નીવ્રતધારી પુરુષ હતો. સંતાનની ખાતર એ પત્નીને શોક્ય લાવીને દુઃખી કરવા માગતો નહોતો. એણે નિશ્ચયપૂર્વક જણાવ્યું કે, “ભગવાનની ઈચ્છા મને પુત્ર આપવાની હશે તો તારા ગર્ભથીજ આપશે, નહિ તો હું સંતાનહીન જીવન ગાળવા પ્રસન્ન છું.”

સ્વામીના આવા વિચારોથી દેવી સુલસાને આનંદ થયો, પણ પતિની અભિલાષા કોઈ પણ રીતે પાર પડે તો સારૂં એવો વિચાર તેને આવ્યો. ધર્મ ઉપર તેને અડગ શ્રદ્ધા હતી. ધર્મના સેવનથી કઠિન કે અસંભવિત જેવા દેખાતાં કામો પણ જલદી સાધ્ય થઈ જાય છે એવો એને વિશ્વાસ હતો. એણે દૃઢ ચિત્તથી ધર્મની આરાધના અને પુણ્યદાનમાં ચિત્તને પરોવ્યું. બ્રહ્મચર્ય,