પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 યથાસમયે સુલસાએ બત્રીસ પુત્રને જન્મ આપે. નાગસારથિએ એ પ્રસંગે ઉત્સવ કર્યો, પુષ્કળ પુણ્યદાન કર્યા અને બારમે દિવસે પુત્રોના નામકરણસંસ્કાર વિધિ કર્યો.

નાગસારથિ તથા દેવી સુલસાએ પુત્રને સંસારની તથા પરલોકની વિદ્યાનું સારી રીતે જ્ઞાન આપ્યું. યુવાવસ્થાને પ્રાપ્ત થઈ એ બત્રીસે પુત્રો પિતાની પેઠે શ્રેણિક રાજાના સેવક બન્યા. નાગસારથિએ તેમનાં લગ્ન પણ શેઠશાહુકારોની પુત્રીઓ સાથે કર્યા.

રાજા શ્રેણિકને રાજા ચેટક સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ આવ્યો. એ યુદ્ધમાં રાણી સુલસાના બત્રીસ પુત્રોને તે પોતાના અંગરક્ષક તરીકે લઈ ગચો હતો. દુર્ભાગ્યે એ યુદ્ધમાં સુલસાના એ બધા પુત્રો હણાયા. રાજાએ પોતાના મંત્રી અભયકુમારની સાથે એ શોકસમાચાર એમનાં માતાપિતાને મોકલ્યા. નાગસારથિ અને સુલસાને એ વૃત્તાંત સાંભળતાંજ વજ્ર પડ્યું હોય એવો ઘા થયો. તેઓ મૂર્છિત થઈ ગયાં અને ભાન આવતાં હૃદયને ફાડી નાખે એવું કલ્પાંત કરવા લાગ્યાં.

મંત્રી અભયકુમાર જ્ઞાની હતો. એણે ધર્મનો ઘણો ઉપદેશ કરીને એ દંપતીને કાંઈક શાંત કર્યાં તથા પુત્રોની સદ્‌ગતિ અર્થે તેમની ઉત્તરક્રિયામાં ચિત્તને પરોવવાની સલાહ આપી.

એ સમયમાં શ્રીમહાવીર સ્વામી ચંપાનગરીમાં ઉપદેશ આપી રહ્યા હતા. ત્યાં આગળ અંબડ નામનો એક સાધુ આવી પહોંચ્યો. એ રાજગૃહ જઈ રહ્યો હતો. મહાવીરસ્વામીએ તેને કહ્યું: “અંબડ ! રાજગૃહ જાય છે, ત્યાં સતી સુલસા વાસ કરે છે; તેને મળજે અને મારા ધર્મલાભ કહેજે.” આ પ્રસંગ ઉપરથી ખબર પડે છે કે સુલસા માટે શ્રીમહાવીરસ્વામીને કેટલું બધું માન હશે.

અંબડ પણ મહાવીરસ્વામીની પ્રશંસાથી આશ્ચર્ય પામ્યો અને એની શ્રદ્ધાની પરીક્ષા કરવા સારૂ પોતે વેશ બદલીને સુલસાને ઘેર ગયો. સુલસાએ તેને દાસીદ્ધારા ભિક્ષા અપાવી, એ જોઈ સાધુ અંબડે વાંધો લીધો અને એને હાથે પોતાના પગ ધોવરાવવાનો આગ્રહ કર્યો. સતી સુલસાએ એ વાતનો સ્વીકાર ન કર્યો. ત્યાર પછી અંબડે બ્રહ્માનું રૂપ ધારણ કરીને ગામ બહાર ઉપદેશ આપવા માંડ્યો. નગરનાં અનેક સ્ત્રીપુરુષ એની પાસે જવા લાગ્યાં, પણ શ્રીમહાવીરસ્વામી ઉપર અનન્ય ભક્તિ હોવાને લીધે