પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
સુલસા



સુલસા કદી પણ ત્યાં ગઈ નહિ. અનેક રીતે પરીક્ષા કર્યા છતાં સુલસાની શ્રદ્ધા ડગી નહિ ત્યારે અંબડ પ્રસન્ન થયો અને પોતાના મૂળ સ્વરૂપમાં તેની સેવામાં હાજર થયો. આ વખતે સુલસાએ વિધિપૂર્વક તેનો સત્કાર કર્યો. અંબડે તેની ઘણીજ પ્રશંસા કરી અને મહાવીર સ્વામીના ધર્મલાભ જણાવ્યા. મહાવીર સ્વામીનું નામ સાંભળતાં સુલસાના હર્ષનો પાર રહ્યો નહિ. એકદમ એ ઊભી થઈને હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરવા લાગી.

સુલસાએ અંબડને ભોજન કરાવીને વિદાય કર્યો અને પોતે પાછી ધર્મકાર્યમાં જોડાઈ.

સુલસા હવે ત્રણ વખત પૂજા કરતી, બે વખત પ્રતિક્રમણ કરતી, સત્‌પાત્રને દાન દેતી, છઠ આઠમ આદિ તિથિઓએ અપવાસ કરી દેહનું દમન કરતી. તેનો સ્વામી પણ તેને અનુસરીને ધર્મપાલનમાં સમય વ્યતીત કરતો હતો.

પોતાનો અંતકાળ પાસે આવતો જોઈને તેણે શ્રીમહાવીરસ્વામી પાસે ‘આરાધના’ લીધી હતી. શ્રીવીરપ્રભુની ભક્તિને હૃદયમાં ધારણ કરીને એ સ્વર્ગે સિધાવી હતી.

જૈનો માને છે કે સુલસાનો જીવાત્મા ભવિષ્યમાં તીર્થંકરરૂપે જન્મ લેશે અને મુક્તિને પામશે.