પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



આદ્રકુમારનું ચિત્ત સંસારથી વિરક્ત થઈને પાછું સંન્યાસ તરફ વળ્યું. એણે પત્નીની રજા લઈને ફરીથી દીક્ષા લેવાની ઈચ્છા કરી. શ્રીમતી કાંઈ ન બોલતાં રૂની પૂણીઓ લઈને રેંટિયો ચલાવવા બેઠી, એટલામાં એનો પુત્ર નિશાળેથી આવ્યો અને કોઈ દિવસ નહિ કરેલું એવું કામ કરતાં માતાને જોઈ આશ્ચર્યપૂર્વક તેનું કારણ પૂછવા લાગ્યો. શ્રીમતીએ જણાવ્યું: “તારા પિતાજી મને છોડીને દીક્ષા લેવા ધારે છે, એટલે ચિત્તને કાર્યમાં પરોવવા સારૂ મેં આ કામ આદર્યું છે.” નિર્દોષ બાળક બોલ્યો: “મા, તું દિલગીર ન થા. હું એવું કરીશ કે પિતાજી દીક્ષા લઈજ નહિ શકે.” એમ કહીને એણે રેંટિયા ઉપરથી સૂતરના તાંતણો લઈને સૂતેલા પિતાને બાંધી દીધા અને પછી મલકાતો મલકાતો કહેવા લાગ્યો: “હવે ક્યાં જનાર છે ?” આદ્રકુમાર સૂતા સૂતા આ બધું સાંભળી રહ્યા હતા. એમને ખાતરી થઈ કે પોતે દીક્ષા લેશે તો પુત્ર અને પત્નીના જીવ દુઃખાશે. એ ઉપરથી એણે શ્રીમતીને જણાવ્યું: “પ્રિયે ! મેં દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો હતો, પણ આ બાળકે મારે પગે સૂતરના બાર તાંતણા વીંટ્યા છે, માટે હું બાર વર્ષ લગી ગૃહસ્થાશ્રમમાં રહીશ અને ત્યાર પછી દીક્ષા લઈશ.”

બાર વર્ષને પણ વીતી જતાં વાર લાગી નહિ. કુટુંબમાં સુખ, શાંતિ અને પ્રેમ વસી રહ્યાં હોય તો સમય પાણીના પ્રવાહ પેઠે ચાલ્યો જાય છે. વર્ષો મહિના સમાન લાગે છે. એ સમય પૂરા થતાં આદ્રકુમારને પાછું આત્મચિંત્વન થવા લાગ્યું; સંસારના ક્ષણભંગુર મોહને છોડી, દીક્ષા લઈ શાશ્વત સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રબળ થઈ. પત્નીને તેમણે પોતાનો વિચાર જણાવ્યો અને સંસારનાં બંધનો કેવા દુઃખદાયી છે તે સમજાવી, હૃદયના પ્રેમને વિવેકથી શમાવી પોતાને રજા આપવાને કહ્યું.

શ્રીમતીને પતિથી વિખૂટાં પડતાં સ્વાભાવિક રીતે જ લાગી આવ્યું, છતાં શ્રેય અને પ્રેયનો ભેદ સારી રીતે સમજતી હોવાથી, એણે હૃદય કઠણ કરીને સ્વામીને ગૃહત્યાગ કરવાની રજા આપી. આદ્રકુમારે ધર્મસાધના તથા તપશ્ચર્યા વડે એ સમયમાં જૈનસાધુઓમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું.

શ્રીમતી પોતાના પુત્રની સાથે કેટલોક સમય રહી અને પછી સાધ્વીવ્રત સ્વીકારી મોક્ષની અધિકારી બની.