પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

३६–राजमाता जीजाबाई

મોગલ સામ્રાજ્ય જ્યારે ઉન્નતિની ટોચે પહોંચ્યું હતું, ઔરંગઝેબના કઠોર રાજ્યને લીધે જ્યારે ભારતવર્ષમાં ચારે દિશાના લોકોના હૃદયમાં ભય અને ત્રાસ વ્યાપી ગયો હતો, સ્વાધીનતાના પ્રધાન ઉપાસક, તેજસ્વિતાના અદ્વિતીય અવલંબન અને સાહસના એક માત્ર આશ્રયરૂપ રજપૂતો જ્યારે મોગલ બાદશાહને શરણે ગયા હતા, ત્યારે ભારતના દક્ષિણ ભાગમાં પશ્ચિમી પર્વતોથી ઘેરાયેલા પ્રદેશમાં એક મહાશક્તિ ધીમે ધીમે બધાનાં હૃદયમાં આશ્ચર્ય ઉત્પન્ન કરી રહી હતી. ધીમે ધીમે એ મહાપ્રતાપી પુરુષના પરાક્રમથી મેગલ બાદશાહ કંપી ઊઠ્યા અને તેના એકલાનાજ ઉત્સાહ અને તેજસ્વિતાનો સ્રોત આખા આર્યાવર્તમાં વ્યાપી ગયો. એ મહાશક્તિ કોણ તે ઓળખાવવાની જરૂર છે કે ? વીરત્વની પ્રદીપ્ત મૂતિ, સ્વતંત્રતાના અદ્વિતીય આશ્રયસ્તંભ, છત્રપતિ મહારાજા શિવાજીના નામથી આપણા દેશમાં કોઈ બાળક પણ અજાણ્યો છે કે ?

એ વીર પુરુષ, એ સ્વદેશ ઉદ્ધારક મહાત્માને જન્મ આપનાર રાજમાતા જીજાબાઈ હતાં.

સંતાનને માં જેવું સારૂં શિક્ષણ આપી શકે છે, મા જેવી રીતે તેને સારે રસ્તે ચડાવી શકે છે, તેવું બીજા કોઈથી થઈ શકતું નથી. જે મનુષ્યમાં મહાન થવાની શક્તિ અને ઈચ્છા છે, તે મનુષ્યને માતાના શિક્ષણ અને માતાના ઉત્સાહથી જેટલી હિંમત મળે છે, તેટલી બીજા કશાથી મળતી નથી. માતા હસતે મોંએ ઉત્સાહ અને આશીર્વાદ આપતી સામે ઊભી હોય તેવે સમયે[૧] મનુષ્ય જેવો સાહસ કરીને વિપત્તિની સામે ઝંપલાવે


  1. ❋ શ્રી. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના ‘ગુજરાતી સાહિત્યના ભાર્ગ સૂચક સ્તંભો’ માંથી સાભાર ઉદ્ધૃત. – પ્રયોજક