પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
રાજમાતા જીજાબાઈ



પણ અનેક મરાઠા જાગીરદાર અને કિલ્લેદારોમાંથી પણ કોઈ અહમદનગર તો કોઈ બિજાપુર અને કોઈ ગોવલકોંડાના સુલતાનના તાબામાં કામ કરતા. શિવાજીએ સૌથી પહેલાં પોતાની શક્તિના બળે આખી મરાઠા જાતિને પોતાના વાવટા તળે આણીને એક નૂતન શક્તિ વડે, હિંદુ પ્રજાના જીવનમાં એક નૂતન ભાવનો સંચાર કર્યો. આ પ્રચંડ શક્તિના આઘાતથી ફક્ત દક્ષિણનીજ નહિ પણ આખા ભારતવર્ષની મુસલમાન શક્તિ તૂટી ગઈ.

એ મહાશક્તિની જનની, એ નવગંગા પ્રવાહની પુણ્ય પવિત્ર ગોમુખી જીજાબાઈ સિંદખેડના દેશમુખ, લુકજી જાધવરાવ નામના કોઈમરાઠા જાગીરદારની કન્યા હતી.“લુકજી જાધવરાવ દેવગિરિના યાદવોનો વંશજ અને સિંદખેડનો દેશમુખ હતો. અહમદનગરની નિઝામશાહીમાં તેને બાર હજાર ઘોડેસવારની મનસબદારી મળી હતી. એ લશ્કરના ખર્ચ્ સારૂ તેને નિઝામ સરકાર તરફથી મોટી જાગીર મળી હતી. સરકારમાં તેમનું ઘણું માન હતું, એટલું જ નહિ પણ તેમના જેવા બળવાન અને શૂરા સરદાર નિઝામશાહીમાં ઘણાજ થોડા હતા.”[૧] એ શૂરા સરદારના હાથ નીચે માલોજી ભોંસલે નામનો એક નાનો પણ ખાનદાન મરાઠા જમીનદાર કામ કરતો હતો. એમ કહેવાય છે કે, અલાઉદ્દીને જ્યારે ચિતોડ જીતી લીધું ત્યારે ઉદયપુરના રાણાવંશનો એક રજપૂત મરાઠાઓના દેશમાં નાસી આવ્યો હતો. એજ રજપૂતના વંશમાં માલોજીનો જન્મ થયો હતો. માલોજીની પત્ની દિપાબાઈને ઘણાં વર્ષો સુધી સંતતિ નહિ થવાથી તેમણે અનેક બાધાઆખડી રાખી હતી. છેવટે તેમણે પોતાના નગરના પીર શાહ શરીફની બાધા રાખી અને દર ગુરૂવારે ફકીરોને દાનધર્મ કરવા માંડ્યું. સદભાગ્યે છ માસમાં દિપાબાઈ ગર્ભવતી થઈ અને ઈ. સ. ૧૫૯૪ માં તેના ગર્ભથી પુત્રરત્નનો પ્રસવ થયો. પીરની કૃપાથી પુત્ર પ્રાપ્ત થયો હતો એમ માનીને માલોજીએ તેનું નામ શાહજી પાડ્યું. ત્યારપછીના બીજા પુત્રનું નામ શરીફજી પાડ્યું હતું. જે શિવાજીએ પાછળથી મુસલમાની સત્તા સામે પ્રબળ વિરોધ મચાવ્યો, તેજ શિવાજીના પિતાના જન્મ સમયે હિંદુઓના હૃદયરાજ્ય ઉપર


  1. ❋ જુઓ સસ્તું સાહિત્યનું “શિવાજી છત્રપતિ” ચરિત્ર.