પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



પણુ મુસલમાન સાધુસંતોએ કેટલી અસર જમાવી હતી તે દર્શાવવા સારૂજ અમે એ બીનાનો અત્રે ઉલ્લેખ કર્યો છે.

શાહજી બુદ્ધિમાન અને કાર્યકુશળ હતો. તેની વાણી મધુર અને વર્તણુંક મોહક હતી. જાધવરાવ તેના ઉપર ઘણા પ્રસન્ન રહેતા. જાધવરાવને જીજાઉ અથવા જીજાબાઈ નામની એક પુત્રી હતી. એની તથા શાહજી વચ્ચે મૈત્રી બંધાઈ. શાહજી એ સમયે પાંચ વર્ષનો હતો અને જીજા ત્રણ વર્ષની હતી. બંને ઘણી વાર સાથે રમતાં અને નિર્દોષ વિનોદ કરતાં. એક સમયે રંગપંચમીને દિવસે જાધવરાવને ઘેર મોટો સમારંભ હતો. અનેક સદગૃહસ્થોને આમંત્રણ હતું. માલોજી પણ શાહજીની સાથે ત્યાં ગયો હતો. જાધવરાવે શાહજીને પ્રેમપૂર્વક પોતાના ખોળામાં બેસાડ્યો, એટલામાં જીજા પણ દોડતી આવીને પિતાના ખોળામાં શાહજીની પાસે બેસી ગઈ. બંને સમાન વયનાં બાળકને જોઈને જાધવરાવે લાડમાં તથા મશ્કરીમાં પૂછ્યું: “કેમ જીજા, આ છોકરા જોડે પરણીશ? આ વર તને ગમે છે?” જીજાએ કહ્યું: “હા, પરણીશ. એ મારા વર.” એમ કહેતામાં બંને બાળકો એકબીજા ઉપર પાસેની રકાબીમાંથી રંગ અને ગુલાલ છાંટવા લાગ્યાં. હાજર રહેલા પરોણાઓ એ સુંદર દૃશ્ય જોઈને હસવા લાગ્યા અને કહેવા લાગ્યાઃ “કેવું સરસ જોડું છે !”

માલોજીનું કુળ ગમે તેટલું ઊંચું હશે પણ માનમરતબો અને ધનવૈભવમાં એ લુકજી કરતાં ઘણો ઊતરતો હતો. લુકજી જાધવરાવની કન્યા સાથે પોતાના પુત્રનું સગપણ થાય એવી આશા રાખવી તેને માટે મિથ્યા હતી, પરંતુ આવો સરસ લાગ મળ્યાથી એણે ત્યાં બેઠેલા બધાને કહ્યુંઃ “આપ સર્વે સાક્ષી છો. જીજા આજથી મારી પુત્રવધૂ થઈ. લુકજી મારા વેવાઈ થયા.”

બીજે દિવસે ભોજનનું નિમંત્રણ આવ્યું ત્યારે માલોજીએ લુકજીને કહેવરાવી મોકલ્યું કે, “શાહજીની સાથે જીજાનો વિવાહ કરવાનું કબૂલ કરશે તો હું લુકજીને ઘેર જમવા આવીશ; નહિ તો નહિ આવું.”

માલોજી મૂળે તો ગરીબ હતો, તેમાં વળી હાલ તો લુકજીના હાથ નીચે નોકર હતો. તેના તરફથી આવી બરોબરિયાના જેવી માગણી આવ્યાથી, લુકજીની સ્ત્રીનો પિત્તો ઊકળી