પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
રાજમાતા જીજાબાઈ



“મા ! વીરપુત્ર, ધાર્મિક પુત્ર, જે પુત્રને હાથે દેવતાના તથા ધર્મના ગૌરવનું રક્ષણ થાય, એવા પુત્રને જન્મ આપવામાં જ નારીજીવનની સાર્થકતા છે, મેં ઘણું દુઃખ વેઠ્યું છે. ઘણું દુઃખ પડ્યા છતાં પણ એ દુઃખના નિવારણ માટે તમારી પાસે પ્રાર્થના કરી નથી. તમારી શક્તિ, તમારો મહિમા જગતમાં સ્થાપી શકે, એવો ધાર્મિક પુત્ર આપીને માતાજી, મારૂં નારીજીવન સાર્થક કરો.”

આપણા દેશના તેમજ પશ્ચિમના વિદ્વાનોનું માનવું છે કે, ગર્ભાવસ્થામાં માતાની જેવી ભાવનાઓ, જેવા વિચારો અને જેવી ઈચ્છા હોય છે, તેવાજ સંસ્કાર પુત્ર ઉપર પડે છે. ગર્ભની સૂચના થઈ ત્યારથી યુદ્ધનો ભારે ગડબડાટ મચી રહ્યો હતો; પરંતુ એ વીરાંગના જીજાનું વીર હૃદય એ યુદ્ધ કોલાહલમાં પણ ભયથી જરા એ ચમક્યું નહોતું. તેના હૃદયમાં ઉત્સાહ સિવાય બીજો કોઈ ભાવ ઉત્પન્ન થયો નહોતો. યુદ્ધ થઈ રહ્યા પછી બાકીના મહિના જીજાએ એકાગ્રચિત્ત શક્તિ સ્વરૂપ જગન્માતાની અર્ચના કરવામાં અને દેવીની પાસે વીર અને ધાર્મિક પુત્ર માગવામાં ગાળ્યા હતા, એટલે પુત્રના મનમાં સ્વાભાવિક રીતે જ વીરત્વ અને ધર્મનો ભાવ પ્રબળ થાય તો એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈજ નથી. આવી પુણ્યમય સાધનાના ફળરૂપે ઈ. સ. ૧૬ર૭ની ૧૦મી એપ્રિલે જીજાબાઈએ એજ શિવનેરી દુર્ગમાં, ઈચ્છાનુસાર દુર્લભ પુત્રરત્નને જન્મ આપ્યો, શિવાઈદેવીના વરદાનથી શિવાઈદેવીના સેવકરૂપ પુત્ર જન્મ્યો એમ ધારીને જીજા એ પુત્રનું નામ “શિવાજી” પાડ્યું.

શિવનેરીના કિલ્લામાં જીજાબાઈ ત્રણ વર્ષ રહ્યાં. ત્યાર પછી શાહજી રાજા તેમને બાયજાપુર લઈ ગયા. એ બાયજાપુરમાં વસતા હતા તે સમયે મોગલ સરદારે નિઝામશાહી રાજ્ય ઉપર હુમલો કર્યો હતો અને બાયજાપુરના કિલ્લેદારને કહ્યું હતું કે, “શાહજીની પત્ની બાયજાપુરમાં છે તેને પકડીને મારે સ્વાધીન કર. તેમ કર્યાથી બાદશાહ તને મોટું ઇનામ આપશે.” ઈનામની લાલચે એ વિશ્વાસઘાતી કિલ્લેદાર પ્રપંચથી જીજાબાઈને પકડીને મોગલની છાવણીમાં લઈ ગયો. એ સમયે જાધવરાવનો ભાઈ મોગલોની સેનામાં નોકર હતો. તેને એથી ઘણું ખોટું લાગ્યું, પણ એ વખતે બળથી કામ ચાલે એમ નહોતું.