પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



તેથી તેણે મહોબતખાનની પાસે જઈને યુક્તિપૂર્વક કહ્યું કે, “શાહજી અને અમારા કુટુંબ વચ્ચે કુસંપ છે એ આપ જાણોજ છો. એ કજિયાને લીધે તેણે જીજાબાઈ અને તેના પુત્રોને ત્યજી દીધાં છે અને તુકાબાઈ નામની બીજી સ્ત્રી સાથે વિવાહ કર્યો છે. બીજી વાર લગ્ન કર્યાથી જીજાબાઈ અને તેની વચ્ચે અણબનાવ છે. જીજાબાઇને આપ કેદ કરશો તેથી શાહજીને તો જરા પણ ખોટું નથી લાગવાનું, પણ અમારા કુટુંબની આબરૂ તો અવશ્ય જશે. અમે આપના નિમકહલાલ નોકર છીએ, માટે અમારી કીર્તિને કલંક લાગે એવું કૃત્ય આપને હાથે ન થવું જોઈએ.” એ વાત મહાબતખાનને ગળે ઊતરી અને તેણે જીજાબાઈને જાધવરાવને સોંપી દીધી. જાધવરાવે જીજાબાઈને શાહજી રાજાના તાબાના કોંડાણાના કિલ્લામાં સુરક્ષિતપણે પહોંચાડી દીધાં. આ પ્રમાણે એમની એક મહાઆપત્તિ ટળી ગઈ.

શિવાજીના જન્મ પછીનાં દશ વર્ષ જીજાબાઈએ ઘણી ચિંતામાં ગાળ્યાં. “શત્રુઓના ભયથી તેમને એક કિલ્લામાંથી બીજા કિલ્લામાં નાસભાગ કરવી પડતી. શત્રુઓ ક્યારે આવીને પોતાના પ્રિય પુત્રને તથા પોતાનો સંહાર કરશે એ ચિંતા એમને રાતદિવસ રહેતી હતી. વળી શાહજી રાજાએ મોગલો જેવા પ્રબળ શત્રુ સાથે ઘોર સંગ્રામ મચાવ્યો છે તેનું પરિણામ અંતે શું આવે છે, એ ચિંતામાં તેમને ચિંતાજ્વર લાગુ પડ્યો હતો; પરંતુ જીજાબાઇ અત્યંત સ્વાભિમાની અને પતિવ્રતા હોવાથી ધૈર્યપૂર્વક અને દૃઢ નિશ્ચયપૂર્વક દસ વર્ષ વિતાડ્યાં.”[૧]

મહારાજા શિવાજીના બાળશિક્ષણનો આરંભ માતા જીજાબાઈને હાથેજ થયો. આપત્તિના સમયમાં એમનું બધું ધ્યાન એજ તરફ લાગ્યું હતું. સાધનાબળે ગર્ભાવસ્થામાં પુત્રના હૃદયમાં તેમણે જે મહત્ત્વનું બીજારોપણ કર્યું હતું, તે મહત્ત્વ યોગ્ય શિક્ષણ અને પોતાની વર્તણુંકના દાખલાથી અંકુરિત થઈને ખીલી નીકળે એ માટે જીજાબાઈ ઘણી જ મહેનત અને કાળજીથી પુત્રને ઉછેરવા લાગ્યાં. જે કામનાથી ‘શિવાઈ’ દેવી પાસે પુત્ર માગ્યો હતો, તે કામના પુત્રને મહાન ગુણોથી વિભૂષિત કરીને પૂર્ણ કરવી, એ જીજાના જીવનનું એક માત્ર વ્રત બન્યું. ભવાનીના વરદાનથી પુત્ર મળ્યો. હવે એ પુત્ર ભવાનીના ચરણકમળમાં


  1. ❋ જુઓ કેળુસ્કરકૃત ‘શિવાજી ચરિત્ર.’