પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



ગ્રંથને આધારે એ ધર્મનું કાંઈક સ્વરૂપ તમને બતાવીશું.

પ્રાચીન ભારતમાં જે અદ્‌ભૂત મહાત્માઓએ મન, વચન અને કાયાને તદ્દન જીતી લીધાં હતાં તેમને માનની દૃષ્ટિથી “જિન” (जि એટલે જીતવું) નામ આપવામાં આવે છે અને એમના ધર્મને અનુસરનારાં “જૈન” કહેવાય છે. એ મહાત્માઓએ અસંખ્ય જીવોને આ સંસારમાંથી તરાવી દીધા છે, માટે તેઓ “તીર્થંકર નામે પણ ઓળખાય છે. જૈનધર્મમાં ચોવીસ તીર્થંકર માન્યા છે; તેમાં સૌથી પહેલા ઋષભદેવ અને છેલ્લા મહાવીરસ્વામી છે. ઋષભદેવજીને બ્રાહ્મણો વીશ અવતારમાંના એક ગણે છે અને તેમના અદ્‌ભુત વૈરાગ્યની અને પરમહંસવૃત્તિની બહુ પ્રશંસા કરે છે.

મહાવીર સ્વામીનો જન્મ ઇ.સ. પૂ.૫૩૯ અથવા ૫૯૯માં કુંડગ્રામમાં થયો હતો.

જૈનધર્મનું મહામંડળ તે “સંઘ” કહેવાય છે. સંઘના ચાર વિભાગ છે. (૧) સાધુ–મુનિ–યતિ–શ્રમણ, (૨) સાધ્વી–આર્યા અથવા આરજા (૩) શ્રાવક અને (૪) શ્રાવિકા. પહેલા બે વર્ગ સંસાર ત્યજીને વૈરાગ્ય અને તપના તીવ્ર નિયમ પાળે છે. છેલ્લા બે, સંસારમાં રહી મુનિઓનો ઉપદેશ સાંભળે છે.

જૈનધર્મના મુખ્ય પંથ બે છે, શ્વેતામ્બર અને દિગમ્બર. સફેદ કપડાં પહેરનાર શ્વેતામ્બર અને દિશાઓ એજ જેમનું વસ્ત્ર છે, એટલે કે વસ્ત્ર સરખું પણુ શરીર ઉપર ન રાખનારા દિગમ્બર. ત્યાર પછી શ્વેતામ્બર સાધુઓને માનનારા શ્વેતામ્બરી કહેવાયા અને દિગમ્બર સાધુઓને માનનારા દિગમ્બરી કહેવાયા. આ ઉપરાંત એક ત્રીજી શાખા “સ્થાનકવાસી” નામની છે, જેઓ મૂર્તિને માનતા નથી.

જૈનધર્મમાં ‘દર્શન’ ‘જ્ઞાન’ અને ‘ચરિત્ર’ એ ત્રણને ‘રત્ન’ નામ આપવામાં આવે છે.

જૈનોમાં પાંચ વ્રત મુખ્ય છે. (૧) અહિંસા વત, (૨) સુનૃત (સત્ય) વ્રત, (૩) અસ્તેય વ્રત (ચોરી કરવી નહિ), (૪) બ્રહ્મચર્ય વત, (પ) અપરિગ્રહ વ્રત અર્થાત્ વસ્તુઓ રાખવી નહિ, ૨ખાવવી નહિ અને રાખવામાં અનુમોદન કરવું નહિ. પોતાની સ્ત્રી ઉપરજ પ્રેમ રાખવો એને ગૃહસ્થાશ્રમનું બ્રહ્મચર્ય વ્રત ગણ્યું છે. ગૃહસ્થોના વ્રતને “અણવ્રત” અને યતિઓના વ્રતને “મહાવ્રત” કહે છે.