પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



ભાવોથી પ્રેરાયા હતા.

પ્રારંભનાં એ દશ વર્ષમાં જીજાબાઈની અસર શિવાજી મહારાજના ચરિત્ર ઉપર કેવી થઈ, એ સંબંધી છત્રપતિનું ચરિત્ર લખના૨ નીચેના શબ્દોમાં લખે છે કે, “તેમનાં પ્રથમનાં દશ વર્ષ માતા જીજાબાઇની સાથેજ વીત્યાં હતાં. મનુષ્યના મન ઉપર ઇષ્ટ–અનિષ્ટ સંસ્કાર પાડવાને માટે એ વય અતિશય મહત્વની હોચ છે, એ વયમાં સદ્‌અસદ્‌વૃત્તિનાં જે બીજારોપણ થાય છે તે આગળ જતાં અનુકૂળ સંસ્કારોથી વિકસિત થવાનો દૃઢ સંભવ હોય છે. વૃત્તિવિકાસનું કાર્ય અત્યંત કોમળ હોય છે અને તે મુખ્ય કરીને માતપિતાના આચરણ ઉપર અવલંબન કરે છે. તેમાંય વળી માતૃશિક્ષણનો પ્રભાવ વિશેષ હોય છે. માતાનો સ્વભાવ અને આચરણ જેવાં હોય છે, તેવાં તેની સંતતિમાં ઊતરવાનો ઘણો સંભવ હોય છે. ગર્ભધારણના સમયથી જ એ શિક્ષણનો પ્રારંભ થાય છે એમ કેટલાક શાસ્ત્રજ્ઞનું કહેવું છે. તે સત્ય માનીએ તો જીજાબાઈ સગર્ભાવસ્થામાં હતી ત્યારથી કેવી સંકટાવસ્થામાં હતી અને તે અવસ્થામાં તેમના મનની વૃત્તિ કેવી હોવી જોઈએ, તે કોઈને પણ કહેવું પડશે નહિ. શિવાજી મહારાજના હૃદયમાં અતિ બાળવયથી જ યવનદ્વેષ એટલો બધો વિકાસ પામ્યો હતો, તેનું કારણ તપાસવા જતાં તેમની માતાની જ મનોવૃત્તિ દ્વેષપૂર્ણ થઈ હતી એમ જણાય છે. બાળરાજાનાં પ્રથમનાં દશ વર્ષ તો કેવળ ઘોર સંકટમાંજ વીત્યાં. જે યવનો તરફથી તેમને એવી સંકટમય સ્થિતિ પ્રાપ્ત થઈ, તે યવનો સંબંધી તેમના હૃદયમાં દ્વેષ અને તિરસ્કારવૃત્તિ સંપૂર્ણ રીતે વિકાસ પામે તેમાં આશ્ચર્ય પણ શું ? તેમાં વળી જીજાબાઈ જેવી અત્યંત સ્વાભિમાની, મહત્ત્વાકાંક્ષી, બુદ્ધિમતી અને અહર્નિશ પુત્રને એ સંબંધીજ બોધ કરનાર માતા સર્વદા સાંનિધ્યમાં રહ્યા પછી, તેમનો વૃત્તિવિકાસ જોઈએ તેવો થાય તેમાં પણ આશ્ચર્ય પામવા જેવું શું છે ?

જીજાબાઈનો જન્મ જે કુળમાં થયો હતો તે કુળ એક સમય દેવગિરિનો રાજવૈભવ ભોગવતું હતું. તેમનો રાજવૈભવ યવનોએ હરણ કરી લીધો ત્યારથી તે કુળને દરિદ્રતા અને પરવશતા પ્રાપ્ત થઈ હતી. તે કુળનાં મનુષ્યો પોતાને વીતેલી દુઃખદ વાર્તા સહસા ભૂલે નહિ અને જીજાબાઈ જેવી સ્વાભિમાની સ્ત્રીને તો