પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
રાજમાતા જીજાબાઈ


 ટકી શક્યું નહિ. દાદાજી સમજ્યો કે મૃત્યુ પાસે આવ્યું છે. તેણે રાજ્યસ્થાપન, રાજ્યપાલન, રાજધર્મ અને પ્રજાધર્મ સંબંધી શિવાજીને ઘણો ઉપદેશ આપ્યો અને કહ્યું: “શિવાજી ! હું જાઉં છું, માટે દુઃખી અને નિરાશ થઈશ નહિ. બચપણથી મેં તને જે ઉપદેશ આપ્યો છે તથા અત્યારે જે કાંઈ કહું છું, તે બધું યાદ રાખીશ અને તે પ્રમાણે મન, વચન અને કર્મથી ચાલીશ, તો હું મરી ગયા છતાં પણ તારી નિકટજ છું. વળી તારાં માતુશ્રી જીવે છે, એ કાંઈ મારા કરતાં ઓછી મદદ નહિ આપે. ઘરકામમાં, ધર્મકાર્યમાં અને રાજકાર્યમાં એમને ઈશ્વર જેવાં ગણજે, એમના આશીર્વાદ અને દેવી ભવાનીની કૃપાથી તારૂં કદી અશુભ થશે નહિ.”

થોડા દિવસ પછી દાદાજીનું મૃત્યુ થયું. મરતે મરતે પણ એ શિવાજીને ઘણો ઉપદેશ આપતો ગયો. કહેવાય છે કે, સ્વામીનું મૃત્યુ થયાથી દાદાજીની સ્ત્રી એકદમ મૂર્છિત થઈ ગઈ અને એ મૂર્છામાંજ એના પ્રાણ ગયા.

દાદાજીના મૃત્યુ પછી જમીનદારી અને જાગીરનો કારભાર શિવાજીના હાથમાં આવ્યો. ઉંમરે પહોંચેલા પુત્રના હાથમાં પૈતૃક સંપત્તિનો વહીવટ સોંપીને શાહજી બિજાપુર રાજ્યની નોકરીમાં કર્ણાટક નગરમાંજ રહ્યો.

દાદાજી હવે રહ્યા નહોતા; એટલે શિવાજીને કર્તવ્યપક્ષમાં ચલાવના૨ જીજાબાઈજ હતી. માતાના ઉપદેશ અને સલાહ મુજબ શિવાજીએ હવે સ્વતંત્ર હિંદુ રાજ્ય સ્થાપવાની તૈયારીઓ કરવાનો આરંભ કર્યો. માતાના ઉપર શિવાજીને એટલી બધી ભક્તિ હતી તથા એની સૂક્ષ્મ બુદ્ધિ, પ્રવીણતા અને રાજદ્વારી બાબતોની માહિતી ઉપર તેમને એટલી બધી આસ્થા હતી કે, એ દિવસોમાં રાજ્યની સ્થાપનાની તૈયારીઓ કરવા માંડી ત્યારથી લઈને તે પોતાનું રાજ્ય સ્થપાઈ ગયું અને પોતે રાજા બની ચૂક્યો ત્યાં સુધી, જેટલા દિવસ જીજાબાઈ જીવતી રહી, તેટલા દિવસ માતાનો ઉપદેશ અને આશીર્વાદ લીધા વગર શિવાજી કોઇ કામમાં માથું મારતા નહિ. લડાઈ અથવા બીજા કોઈ કામ પ્રસંગે શિવાજી બહારગામ જતા, તો જીજાબાઈ તેમના પ્રતિનિધિ તરીકે નવા રાજ્યનો વહીવટ ચલાવતી.

દક્ષિણમાં માવળા નામના એક હલકી જાતના લોક હોય