પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 છે. એ માવળા લોકો ઘણાજ દૃઢ, બળવાન અને સહનશીલ હોય છે. એ લોકોની સાથે માયાળુપણે વર્તીને શિવાજીએ પહેલેથી એમનું એક સાહસિક અને વિશ્વાસુ લશ્કર એકઠું કર્યું હતું. સ્વતંત્ર હિંદુરાજ્યની સ્થાપનામાં એ લોકો સહાયતા કરશે, એમ પોતાના સરદારને ખાતરી આપીને, માવળાઓને તેમના હાથમાં સોંપીને, પોતે ચારે તરફ રાજ્યનો વિસ્તાર કરવા અને કિલ્લાઓ સર કરવા નીકળી ગયા.

આથી બિજાપુરના સુલતાનના તાબાના કેટલાક જાગીરદારો અને કિલ્લેદારો સાથે તેમને પહેલાં લડવું પડ્યું. ધીમે ધીમે એ વાત બાદશાહને કાને પણ પહોંચી. જોતજોતામાં શિવાજીએ કલ્યાણ અને કોંકણ પ્રાંત પોતાના કબજામાં લીધા.

સુલતાને જોયું કે પોતાના રાજ્યમાંથી શિવાજીએ એટલા બધા મુલક ઉપર કાબૂ મેળવ્યો છે કે, થોડા વખતમાં એનું સૈન્ય દક્ષિણ હિંદુસ્તાનમાંથી મુસલમાનોનો એકદમ સંહાર કરી નાખશે. ક્રોધ અને ભયને લીધે એનો કાંઈક ઉપાય કરવાનો બાદશાહે શાહજીને હુકમ આપ્યો.

શાહજી પોતે પણ પુત્રની શક્તિનો આટલો બધો વિકાસ જોઈને વિસ્મય પામી ગયો હતો. એણે વિચાર્યું કે પુત્ર પોતાની પ્રતિભાના બળ વડે જે કાંઈ કરી રહ્યો છે, તેમાંથી તેને રોકવાની શક્તિ પોતાનામાં નથી. તેમજ તેની એવી ઈચ્છા પણ નહોતી; પરંતુ એ બાદશાહનો નોકર હતો. બાદશાહ ગુસ્સે થાય, તો એને પાયમાલ કરી શકે, એ વિચારથી એને જરા બીક લાગી. સુલતાનને એણે જણાવ્યું કે, “જહાંપનાહ ! શિવાજી હવે સ્વતંત્ર થયો છે. મારી વડીલોપાર્જિત મિલકત બધી એના હાથમાં છે અને હવે એ મારું કહ્યું માનતો નથી.” વાત પણ ખરી હતી. શિવાજીએ આ બધી યોજનાઓમાં પિતાનો મત કોઈ દિવસ પૂછ્યો નહોતો.

પણ શાહજીની વાત ઉપર બાદશાહને વિશ્વાસ બેઠો નહિ. તેણે યુક્તિપૂર્વક શાહજીને કેદ કર્યો અને પછી ઢંઢેરો પિટાવ્યો કે, “શિવાજી જો સત્વર પોતે જીતેલું રાજ્ય બિજાપુરને પાછું આપી દેશે નહિ, તો બાદશાહ શાહજીને કેદખાનાની અંધારી ઓરડીમાં પૂરી રાખીને, આહાર અને હવા બંધ કરીને, ગૂંગળાવી ગૂંગળાવીને મારી નાખશે.”