પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭
રાજમાતા જીજાબાઈ



આ દારુણ સમાચાર સાંભળીને શિવાજી સંકડામણમાં આવી પડ્યા. એક તરફ શત્રુને હાથે પિતાજીને આ પ્રમાણે રિબાઈ રિબાઈને મરવાનો ભય હતો, બીજી તરફ હિંદુરાજ્ય સ્થાપન કરવાના જીવનવ્રતનો ત્યાગ કરવાનો શોક હતો. કોઈ પણ ઉપાય એ નક્કી કરી શક્યા નહિ. આ સમાચાર સાંભળીને માતા ગભરાઈ જશે, એમ ધારીને શિવાજીએ એ બાબતમાં માતાની સલાહ ન લેતાં, પોતાની સ્ત્રીની સલાહ લીધી. શિવાજીની સુજ્ઞ પત્ની સર્વ પ્રકારે એ મહાપુરુષની સહધર્મિણી થવાને યોગ્યજ હતી. એણે કહ્યું: “તમારે ગમે તે ઉપાય કરીને પિતાજીનું રક્ષણ કરવું જોઈએ, પણ બીજી તરફ એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે, હિંદુધર્મ અને હિંદુરાજ્યની પુનઃસ્થાપના કરવાનું જે પવિત્ર વ્રત આપે લીધું છે, તેમાં કોઈ પણ પ્રકારે વિઘ્ન ન આવે. જો વિષયભોગને માટેજ તમે રાજ્ય જીત્યું હોત, તો તો હમણાં ને હમણાં એ ૨ાજ્ય પાછું આપી દઈને સસરાજીને છોડાવી લાવવાની હું સલાહ આપત; પણ આ રાજ્ય આપણા પોતાના સુખવૈભવને માટે તમે મેળવ્યું નથી. એ તો દેવતા, ગૌ-બ્રાહ્મણ અને ધર્મના રક્ષણ સારૂ છે. સગાંવહાલાંના રક્ષણનું કર્તવ્ય ગમે તેટલું મોટું ગણાતું હશે, પણ ધર્મ કરતાં એ વધારે નથી. વડીલના રક્ષણ સારૂ આ રાજ્યનો ત્યાગ કરવાનો તમને અધિકાર નથી. હું વધારે શું કહું? વિચાર કરો, કોઈ યુક્તિથી બાદશાહને છેતરીને કે સપડાવીને પિતાજીનો ઉદ્ધાર કરો. એમાં ભય રાખવાનું કામ નથી. માતા ભવાની તમારી મદદે છે. તમારા હાથમાં એમણે પોતાનું ધર્મરાજ્ય સોંપ્યું છે. આ વિપત્તિને સમયે એજ તમને રસ્તો સુઝાડશે.”

ધીમે ધીમે જીજાને કોને પણ આ સમાચાર પહોંચ્યા. જીજાએ પણ વહુની સલાહને ટેકો આપ્યો.

ચતુર શિવાજીએ ઘણો વિચાર કરીને એક યુક્તિ શોધી કાઢી અને એ યુકિતથી શાહજીનો ઘણી સહેલાઈથી છુટકારો થયો.

ભારતના નાના મોટા રાજાઓ અને બાદશાહો દિલ્હીના શહેનશાહને ભારતવર્ષમાં સોથી મોટો રાજા ગણીને તેમનાથી બીતા રહેતા તથા હમેશાં તેમનું માન રાખતા. બીજી તરફ દિલ્હીના બાદશાહ પણ એજ ચાહતા હતા કે, દક્ષિણ ભારતનાં સ્વતંત્ર રાજ્યો પોતાનું ઉપરીપણું સ્વીકારે; એટલે એક ત૨ફ