પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



બિજાપુરનો સુલતાન પણ દિલ્હીના શહેનશાહને સહેજ વાતમાં નારાજ કરવા ચાહતો નહોતો અને બીજી તરફ દિલ્હીનો શહેનશાહ ગમે તે વાતમાં બિજાપુરનો પક્ષ લે એ પણ સંભવિત નહોતું; કારણ કે એ તો એને દબાવી રાખવા માગતો હતો. ચતુર રાજનીતિજ્ઞ શિવાજી આ સ્થિતિ સારી પેઠે સમજી ગયા હતા. એમણે શાહજહાનને વિનયપૂર્વક એક પત્ર લખ્યો. શાહજી એક સમયે શહેનશાહને ત્યાં સેનાપતિ હતા અને શહેનશાહ પણ તેના ઉપર સ્નેહ રાખતા હતા, એ બધી વાતનું વર્ણન કરીને તથા પોતે પણ શહેનશાહનો સેવકજ છે, એવું જણાવીને પિતાજીને છોડાવવા માટે શિવાજીએ દિલ્હીશ્વરને વિનતિ કરી. ઉદાર હૃદયના શહેનશાહે શિવાજી ઉપર અત્યંત પ્રસન્ન થઈને શાહજીને છોડી દેવા બિજાપુરના રાજાને હુકમ મોકલ્યો.

એ હુકમનું ઉલ્લંઘન કરવાનું સાહસ બિજાપુરનો સુલતાન કરી શક્યો નહિ. શાહજી બંદીખાનામાંથી મુક્ત થઈને પાછો નોકરીએ ચડ્યો. બાકીના જીવનમાં શાહજી બિજાપુરના સુલતાનના તાબામાં કર્ણાટક પ્રાંતનો સેનાપતિ અને શાસનકર્તાના કામ ઉપર નિમાયો હતો. પોતાના સ્વાર્થ માટે એણે પુત્રના રાજ્યવિસ્તારમાં કોઈ દિવસ વિક્ષેપ કર્યો નહિ. સુલતાને પણ એ દિવસથી શાહજીને પીડવાને કોઈ પ્રયત્ન કર્યો નહિ; કારણકે ઘણા દાખલાઓથી તેને ખાતરી થઈ હતી કે, શિવાજી સાથે પોતાનો આટલો વિરોધ હોવા છતાં પણ શાહજી ઘણી જ વફાદારીથી બિજાપુર રાજ્યની નોકરી કરે છે.

શાહજીની વર્તણુંક ખરેખર ઘણીજ વિસ્મયજનક હતી. પુત્ર ઉપર તેને ઘણોજ પ્રેમ હતો. પુત્ર પણ તેમના ઉપર પૂજ્યભાવ રાખતો હતો. આખી જિંદગી સુધી એણે પોતાના પુત્રના શત્રુના રાજ્યમાં સેનાપતિપણું કર્યું, પણ પુત્રની સાથે કદી શત્રુતા બાંધી નહિ, તેમજ ગુપ્ત રીતે પુત્રની સાથે મળી જઈને પોતાના માલિકને પણ કદી નુકસાન પહોંચાડ્યું નહિ. પુત્રના રાજ્ય તરફ તથા તેના રાજ્યના દિનપ્રતિદિન વધતા જતા વિસ્તાર તરફ એણે બિલકુલ બેપરવાઈ બતાવી. જેવી રીતે પાછલા જીવનમાં પણ આરામ મેળવવા માટે એ પુત્રને આધારે રહ્યો નહિ, તેવી જ રીતે પુત્રના રાજ્યમાં હકુમત કરવાની પણ એણે કોઈ દિવસ ઇચ્છા જણાવી નહિ. આવાં ત્યાગ, સ્વામીભક્તિ