પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



જતી વખતે શિવાજીએ જનની જીજાબાઇની પાસે જઈને તેમને પગે લાગીને આશીર્વાદ માગ્યો.

જીજાએ કહ્યું: “બેટા ! તું ભવાનીનો પુત્ર છે. ભવાનીની ચરણસેવાની તેં દીક્ષા લીધી છે. ભવાનીની ઇચ્છાથી અને ભવાનીના આશીર્વાદથી હિંદુ દેવતા અને હિંદુ ધર્મની રક્ષા કરવાનું તેં વ્રત લીધું છે. તારી સમક્ષ તારા શત્રુઓએ ભવાનીદેવીનું અને હિંદુ ધર્મનું એટલું બધું અપમાન કર્યું છે કે, તું તેનો બદલો નહિ લઈ શકે અને દેવતા તથા ધર્મની પુનઃ પ્રતિષ્ઠા નહિ કરી શકે તો મારી સાધના વૃથા, તારૂં જીવનવ્રત વૃથા, તારી શિક્ષા અને દીક્ષા વૃથા અને તારો રાજધર્મ વૃથા છે. જાઓ ! શિવ ! તું ભવાનીનો સેવક હો, તો જા અને ખરા દિલ થી લડ, પોતાનું લોહી આપીને, સર્વસ્વનો ત્યાગ કરીને ભવાનીનું માન સાચવવા ખરેખર તૈયાર થઇશ તો ભવાનીના આશીર્વાદથી આ ધર્મયુદ્ધમાં જરૂર તારો વિજય થશે. જા બેટા ! ભવાનીને પગે લાગીને વીરરંગમાં નાચતો નાચતો રણક્ષેત્રમાં જા; દાનવોનું દમન કરનારી, ત્રૈલોક્યને ત્રાસ આપનારી ભવાનીની શક્તિ તારા અને તારા સાથીઓના શાસ્ત્રોમાં સંચારિત થશે.”

શિવાજી યુદ્ધમાં ગયા.

શિવાજીની યુક્તિથી અફજલખાં માર્યો ગયો અને તેના સૈન્યનો પણ નાશ થયો.

વિજયના ગૌરવ સાથે વીર શિવાજી માતાના ચરણમાં પડ્યા. હર્ષનાં આંસુ સાથે જીજાબાઈએ વિજયી પુત્રને તથા તેના સાથીઓને પોતે વિજયમાળા પહેરાવીને સાબાશી આપી.

શિવાજીનો વિજય તથા તેના રાજ્યના વિસ્તારની બધી વાત શાહજીએ સાંભળી હતી. એને ઘણી ઇચ્છા હતી કે, કુળના ગૌરવરૂપ-આખા દેશના ગૌરવસ્વરૂપ પુત્રને એક વાર નજરે જોઉં અને ભેટું; પણ ઘણા વિચા૨ પછી એ ઈરાદો એને ઘણી વખત સુધી માંડી વાળવો પડ્યો હતો. બિજાપુરની નોકરી છોડી દઈને એ પુત્રની પાસે જવા માગતો નહોતો, કારણ કે એ જાણતો હતો કે એના ગયાથી શિવાજીની સ્વતંત્રતામાં ફેર પડશે, તેમજ બિજાપુરની નોકરીમાં રહીને બિજાપુર રાજ્યના શત્રુરૂપ પુત્રને મળવા જવું, મળવાનું તો કોરાણે રહ્યું, તેની સાથે કોઈ પણ