પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧
રાજમાતા જીજાબાઈ


 જાતનો સંબંધ રાખવો, એ રાજાના મનમાં સંદેહ ઉત્પન્ન કરવા બરાબર હતું. એટલે શાહજી એ બાબતમાં ઘણું ચેતીને ચાલતો, ઉદારચરિત શાહજી એવી વિશ્વાસુ રીતે રાજકાર્ય ચલાવતો કે, બિજાપુરના રાજાએ એના ઉપર કોઈ પણ જાતનો સંદેહ ન આણતાં, પાછલા વખતમાં ઘણાં વર્ષો સુધી કર્ણાટકનો શાસન કર્તા અને સેનાપતિ નીમ્યો હતો.

હવે શાહજીની મનોવાસના સિદ્ધ થવાનો પ્રસંગ આવી પહોંચ્યો. બિજાપુરના સુલતાન શિવાજી સાથે યુદ્ધ કરીને થાકી ગયા હતા. તેમની ઈચ્છાથી સંધિ કરવાનો પ્રસ્તાવ લઈને શાહજી શિવાજી પાસે ગયો. પિતાના આગ્રહથી શિવાજીએ બિજાપુર સાથે સંધિ કરી.

આ પ્રમાણે શાહજીના પ્રયત્નથી દુર્બળ બિજાપુરની સાથેનો શિવાજીનો વિવાદ મટી ગયો, પણ પ્રબળ મોગલ બાદશાહ સાથે હવે એનો ભીષણ અને લાંબો વિગ્રહ શરૂ થયો.

એ વખતે દિલ્હીના તખ્ત ઉપર ઔરંગઝેબ બિરાજતો હતો. શિવાજીને દબાવી દેવા એણે શાયસ્તખાં નામના સરદારને દક્ષિણમાં મોકલ્યો; પણ શિવાજીની યુક્તિ અને બહાદુરીથી શાયસ્તખાં પરાજય પામીને મહામુશ્કેલીએ પાછો નાસી ગયો.

આ ઘટના પછી થોડા સમયમાં શાહજીનું મૃત્યુ થયું. સ્વામીના મૃત્યુસમાચાર સાંભળીને જીજાબાઈ સતી થવા તૈયાર થઈ; પણ સ્વામીની હયાતીમાંજ પુત્રની ખાતર જે સ્વામીથી વિખૂટી રહી હતી, જેણે મહાન કર્તવ્યને માટે, સ્ત્રીઓને માટે અસાધ્ય એ કઠો૨ ત્યાગ બતાવ્યો હતો, તેજ સ્ત્રી આજે પતિના મૃત્યુ સમાચાર સાંભળી શોકવિહવલ થઈ પોતાનાં કર્તવ્યોનું બલિદાન આપવા તૈયાર થઈ. પણ તેના જેવી ધર્મશીલ અને ત્યાગી સ્ત્રીએ આ સંસારમાં સાધવાનું ઉપયોગી કાર્ય સાધ્યા વગર પતિની સાથે બળી મરવું વાજબી હતું ? પુત્રને હાથે ધર્મરાજ્ય સ્થપાવવું અને એ ધર્મરાજ્યના રક્ષણમાં તેને મદદ કરવી, એ તેના જીવનની એકમાત્ર સાધના હતી, એકમાત્ર વ્રત હતું. આજ સ્વામીના શોકથી બેબાકળી થઈને જો એ પવિત્ર વ્રત અને સાધનાનો ત્યાગ કરે તો પછી આટલા વર્ષની એની કઠોર તપસ્યાનું સાર્થક શું? જે શક્તિને પ્રતાપે શિવાજીએ એટલું બધું મહત્વ પ્રાપ્ત કર્યું હતું તે શક્તિના મૂળરૂપ જીજાબાઈ હતી. એ શક્તિ