પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
રાજમાતા જીજાબાઈ



પ્રવીણ અમલદારો તેના હાથ નીચે નીમવામાં આવ્યા.

દિલ્હી પહોંચીને શિવાજીએ મોગલ દરબારમાં ઔરંગઝેબની મુલાકાત લીધી. ઔરંગઝેબે તેમનો બરોબર આદરસત્કાર કર્યો નહિ. ત્રીજા વર્ગના ઉમરાવોમાં શિવાજીને બેસવાનું આસન આપ્યું. એ અપમાનથી દરબારમાંથી ઊઠીને શિવાજી ઘેર આવ્યા. બાદશાહના હુકમથી એ ઘરની ચારે તરફ મોગલ સિપાઈઓનો પહેરો બેસી ગયો. મોગલોની વિશ્વાસઘાતકતાથી શિવાજી કેદ પકડાયા.

આ દારુણ સમાચાર સાંભળીને મરાઠાઓ સ્તંભિત થઈ ગયા. જીજાબાઈએ ઈષ્ટદેવી ભવાનીની આરાધના કરીને કહ્યું: “મા ! તમારી ઈચ્છા, તમે જાણો. શિવાજી મારો નથી, તમારો છે. એ ગમે તેવી વિપત્તિમાં આવી પડે, પણ તમારે જો તમારા દાસની સેવાની જરૂર હશે, તો તમે ગમે ત્યાંથી એને છોડાવશો; પણ મા ! હું દુર્બળ સ્ત્રી છું; શિવાજી મારા જીવનનું સર્વસ્વ છે. આ ઘોર સંકટ સહન કરવાનું તમે આ દાસીને બળ આપો. શિવાજી મારા હાથમાં એના ધર્મરાજ્યનો કારભાર સોંપી ગયો છે. મને શક્તિ આપો કે, જેથી હું એની રાજ્યશક્તિ સાચવી રાખું. તમારી કૃપાથી શિવાજી જ્યારે પાછો આવે, ત્યારે એ જોઈ શકે કે એના ઉપર આફત આવી પડવાથી, એના રાજ્યને કાંઈ અનિષ્ટ થયું નથી.”

દેવીના ધ્યાન અને આરાધનાથી જીજાબાઇના હૃદયમાં એક અપૂર્વ શક્તિનો સંચાર થયો. ધીરજ અને શાંતિથી એણે રાજ્યના અમલદારોને બોલાવ્યા અને તેમને ઉત્સાહ તથા ઉત્તેજન આપીને તેમના મનમાંથી ભય અને ખેદ કાઢી નાખ્યો અને રાજ્ય ઉપર આવી પડેલી આ આફતના સમયમાં, મહારાજા શિવાજીની ગેરહાજરીને લીધે, રાજ્યને કોઈ રીતે નુકસાન ન થાય તેનો ઘણો સારો બંદોબસ્ત કરી દીધો.

પણે શિવાજી દિલ્હીમાં કેદી હતા. એમણે જોયું કે કાંઈ છળકપટ કર્યા વગર મોગલોના હાથમાંથી છુટાય એમ નથી. થોડા દિવસ એ એવી શાંતિથી રહ્યા કે, જાણે કેદખાનામાં એમને ઘણું સુખ છે અને એ દશામાં એમને એટલો સંતોષ છે કે છૂટવાનો કાંઈ વિશેષ આગ્રહ નથી. ત્યાર પછી થોડે દિવસે સખત