પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



મંદવાડનો ઢોંગ કર્યો અને એ પીડા મટાડવા માટે બ્રાહ્મણોને ઘેર અને મંદિરોમાં મોટી છાબડીઓ ભરી ભરીને મીઠાઈ મોકલવી શરૂ કરી. દરરોજ એવી કેટલીએ છાબડીઓ બહાર જતી. પહેરેગીરો ધીમે ધીમે બેદરકાર થઈ ગયા અને મીઠાઈની ટોપલીએ તપાસવી મૂકી દીધી. આખરે એક દિવસે શિવાજીએ પુત્ર સંભાજીને એક ટોપલીમાં બેસાડ્યોઅને બીજી ટોપલીમાં પોતે બેઠા. પછી બે ટોપલીઓને ઉપર ઉપર મીઠાઈથી ઢાંકી દીધી. નોકરો એ ટોપલીઓને લઈને દિલ્હીની બહાર નીકળી ગયા. સંન્યાસીને વેશે શિવાજી અને સંભાજી બન્ને નોકરો સાથે મથુરા આદિ સ્થળોએ તીર્થયાત્રા કરતા કરતા પાછા રાયગઢ પહોંચ્યા.

રાજ્યના નોકરો સંન્યાસી વેશધારી શિવાજી અને સંભાજી તથા તેમના અનુચરોને ઓળખી શક્યા નહિ. “સંન્યાસીઓ અહીં શા માટે આવ્યા છે ?” એમ પૂછવામાં આવ્યું તેના જવાબમાં શિવાજીએ કહ્યું કે, “અમે શિવાજીનાં જનની, આ કિલ્લાનાં શાસનકર્તા જીજાબાઈને મળવા માગીએ છીએ. અમારી ઈચ્છા અમે એમની આગળજ જાહેર કરીશુ.”

જીજાબાઈએ સંન્યાસીઓને અંતઃપુરમાં લાવવાનો હુકમ આપ્યો. સંન્યાસીને આવતા જોઈ જીજાબાઈ તેમને પ્રણામ કરવા ઊઠી. એટલામાં સંન્યાસીરૂપધારી શિવાજીએ તેમના ચરણમાં પડીને પ્રણામ કર્યા. જીજાબાઈ આશ્ચર્ય પામીને બોલી ઊઠ્યાં:

“મહારાજ ! આ શું ? આપ સંન્યાસી છો, મને શા માટે દોષમાં નાખો છો ? મારા જીવનનું સર્વસ્વ શિવાજી હાલ બંદીવાન છે, તેમાં વળી આ૫ મારૂં વધારે અમંગળ શા માટે કરો છો ?”

સંન્યાસીએ હસીને કહ્યું: “મા! મને ઓળખ્યો નહિ? હું જ તારો શિવા, પાછો તારા ખોળામાં આવી પહોંચ્યો.”

વિસ્મયચકિત નેત્રે જીજા સંન્યાસી તરફ જોઈ રહી. ખરેખાત આ સંન્યાસી તો એનો શિવાજ છે ! આટલા બધા દિવસથી આતુરચિત્તે એ જે પ્રાર્થના કરી રહી હતી તે આમ એકદમ સફળ થઈ ગઈ, તેથી જીજાની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં. એણે પુત્રને છાતી સરસો ચાંપ્યો. માતા અને પુત્ર બન્નેનાં આનંદાશ્રુ મળી ગયાં. બંને થોડી વાર સુધી નિર્વાક અને નિઃશબ્દ અવસ્થામાં પરસ્પર દૃઢ આલિંગનમાં બંધાઈ રહ્યાં. પછી શિવાજીએ ફરીથી માતાના ચરણને પ્રણામ કરીને પોતાના નાસી