પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
રાજમાતા જીજાબાઈ



આવવાની વાત સવિસ્તર કહી સંભળાવી.

આખા રાજ્યમાં શિવાજીના નાસી આવ્યાના સમાચાર પવનવેગે ફેલાઈ ગયા. ઘેર ઘેર આનંદઉત્સવ શરૂ થયો.

શિવાજીના નાસી આવ્યા પછી ઔરંગઝેબે તેનું દમન કરવા સારૂ પોતાના અનેક પ્રસિદ્ધ સેનાપતિઓને દક્ષિણમાં મોકલ્યા, પણ કોઈનાથી શિવાજીના રાજ્યને જીતી શકાયું નહિ; ઊલટા શિવાજી મહારાજ નવા નવા કિલ્લાઓ સર કરીને પોતાનું રાજ્ય વધારવા લાગ્યા. કેટલાક સમય પછી ગર્ગભટ નામના એક પ્રસિદ્ધ કાશીનિવાસી સુયોગ્ય બ્રાહ્મણ પંડિત શિવાજીને મળવા આવ્યા. શિવાજીએ રાજાની ઉપાધિ ધારણ કરીને રાજ્ય કરવું શરૂ કરી દીધું હતું એ વાત ખરી, પણ હજુ સુધી શાસ્ત્રની વિધિ પ્રમાણે તેમનો અભિષેક થયો નહોતો. ગર્ગભટે અભિષેક કરવાનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશ અનુસાર શિવાજીએ માતાની સલાહ લઈને, મોટા સમારંભ સાથે અભિષેકની ક્રિયા કરાવી. ધર્મ અને શાસ્ત્રની વિધિ અનુસાર શિવાજી રાજા બનવાથી જીજાબાઈના જીવનની સાધના આજ પૂર્ણ થઈ. તેના જીવનનું લક્ષ્ય આજ સધાઈ ચૂક્યું. આ પ્રમાણે આ જિંદગીની સઘળી વાંછનાઓ પૂર્ણ કરીને, થોડા દિવસ પછી વૃદ્ધ વયે પુત્રપૌત્રાદિકની સમક્ષ પુણ્યમયી, પ્રાતઃસ્મરણીય, રત્નપ્રસવિની જીજાબાઈએ સ્વર્ગારોહણ કર્યું. શિવાજીના શોકનો પાર રહ્યો નહિ. લાખો રૂપિયા ખર્ચીને તેમણે માતાની ઉત્તરક્રિયા કરી તથા ચાર મહિના રાયગઢમાં રહીને શોક પાળ્યો અને એટલા દિવસ સિંહાસન ઉપર બેઠા નહિ.

જનનીની સાધનાથી ઘડાયેલા શિવાજી મહારાજના હૃદયમાં જીજાબાઈને લીધે કેટલું મહત્ત્વ આવ્યું હતું તથા જીજાબાઈ કેટલી ધીરજ અને કર્તવ્યબુદ્ધિશાળી સ્ત્રી હતી, તે બતાવવા બે એક ઉદાહરણ આપીને અમે આ આખ્યાન સમાપ્ત કરીશું.

શિવાજી મહારાજની આગેવાની નીચે જ્યારે મરાઠા જાતિનો અભ્યુદય થયો, ત્યારે દેશમાં અનેક સંસારત્યાગી સાધુ પુરુષોનો આવિર્ભાવ થયો હતો. હિંદુઓમાં જાતીય શક્તિનો સંચાર થાય, એજ ઉદ્દેશથી હિંદુઓને જાગૃત કરવાનું મહાવ્રત કેટલાક સંન્યાસીઓએ લીધું હતું. મહાત્મા રામદાસ સ્વામી એ સમયના સંન્યાસીઓમાં અગ્રગણ્ય હતા. શિવાજીએ એમની