પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

३७–मराठा वीरांगना ताराबाई

શિવાજીનું મૃત્યુ થયા પછી ઔરંગઝેબે પોતાના વિસ્તીર્ણ મોગલ સામ્રાજ્યના જુદા જુદા પ્રાંતોમાંથી બની શકે એટલું લશ્કર એકઠું કરીને તથા મુખ્ય મુખ્ય સેનાપતિઓને સાથે લઈને, જાતે દક્ષિણ હિંદુસ્તાન ઉપર હુમલો કરવાની તૈયારી કરી.

દક્ષિણ ભારતમાં ફક્ત અહમદનગર શાહજહાન બાદશાહના સમયમાં દિલહીના તાબામાં આવ્યું હતું. બિજાપુર અને ગોવલકોંડાનાં રાજ્ય હજુ સુધી સ્વતંત્ર હતાં. એ ઉપરાંત શિવાજીએ સ્થાપેલું મરાઠા રાજ્ય પણ ધીમે ધીમે પ્રબળ થતું જતું હતું.

એ ત્રણે રાજ્યને જીતી લઇને આખો દક્ષિણ દેશ પોતાના રાજ્યમાં મેળવી દેવાની ઔરંગઝેબની ઈચ્છા હતી.

શિવાજી જાણતા હતા કે, ઔરંગઝેબ પોતાની બધી શક્તિ વાપરીને દક્ષિણની સ્વતંત્રતાનો લોપ કરવા યત્ન કરશે, એટલા માટે પોતાની પાછલી જિંદગીમાં એમણે પોતાની સ્વતંત્રતા કાયમ રાખવા માટે ચારે તરફથી પોતાની શક્તિ મજબૂત કરવાનો યત્ન કર્યો હતો. ઘણી સૂક્ષ્મ રાજનૈતિક વિચક્ષણતાને લીધે શિવાજી મહારાજ એ પણ સમજી ગયા હતા કે, જાતિગત કે ધર્મગત દ્વેષ અને વિરોધ ભૂલી જઈને બિજાપુર અને ગોવલકોંડાનાં રાજ્યો સાથે ગાઢી દોસ્તી બાંધવાની જરૂર છે. એ બંને રાજ્યો મુસલમાન હોવા છતાં પણ ઓરંગઝેબને તેમની સાથે દોસ્તી નહોતી. હિંદુ શિવાજીની પેઠે એમનું રાજ્ય પણ પડાવી લેવાની એની ઈચ્છા હતી, એટલે ઔરંગઝેબનો ડર શિવાજી મહારાજ જેટલોજ આ રાજ્યોને પણ હતો. દુશ્મનનો દુશ્મન પણ દોસ્ત ગણાય છે. એ ન્યાયે ગોવલકોંડા અને બિજાપુરના રાજાઓ આ સામાન્ય આફતમાં સંપ અને પરસ્પર મદદ