પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯
મરાઠા વીરાંગના તારાબાઈ



કરવાથી શું લાભ થશે, તે સમજી શક્યા. આગલી દુશ્મનાવટ ભૂલી જઈને તેમણે શિવાજી સાથે સંપ કર્યો. બધી જાતનાં યુદ્ધ અને વિગ્રહમાં એ ત્રણે રાજ્યોએ એકબીજાને મદદ કરવી, એ શરતે શિવાજી સાથે ગોવલકોંડા અને બિજાપુરના રાજાઓએ સંધિ કરી.

પણ એવામાં એકાએક શિવાજીનું મૃત્યુ થયું. રાજ્યના ૨ક્ષણની બધી વ્યવસ્થા અધૂરી રહી; એટલું જ નહિ, પણ આવા અણીના વખતે મરાઠા જાતિના નાયકના પદ ઉપર કોણ બિરાજશે, તેનો પણ કોઈ પાકો બંદોબસ્ત તેઓ કરી શક્યા નહિ.

શિવાજીના વડા દીકરા સંભાજીમાં સાહસ અને રણકૌશલ્ય સિવાય પિતાના એક પણ સદ્‌ગુણ આવ્યા નહોતા. પિતાના રાજ્યમાં પિતાએ એક વખત ઘણો ધમકાવ્યાથી એ મોગલ સેનાપતિ દિલેરખાંની સાથે મળી ગયો હતો. પાછળથી એ ત્યાંથી નાસી આવીને પિતાને પગે પડ્યો હતો. પિતાએ એક વાર માફી આપ્યા છતાં પણ સંભાજીની ચાલચલગત સુધરી નહિ. આખરે શિવાજીએ લાચાર થઈને કેટલાક સમય સુધી પુત્રને કેદમાં રાખ્યો. શિવાજીના મૃત્યુ સમયે પણ સંભાજી બંદીવાન હતો.

અસ્તુ ! મૃત્યુકાળે શિવાજી કહેતા ગયા કે, “રાજ્યના બે ભાગ કરીને દક્ષિણ ભાગ સંભાજીને અને ઉત્તર ભાગ પોતાના બીજા છોકરા રાજારામને આપો.” પરંતુ સંભાજી પોતાની આ વ્યવસ્થા માન્ય નહિ રાખે અને તેના દુરાચરણને લીધે રાજ્યના ઉપર કોઈ દિવસ મોટી આફત આવી પડશે એ પણ શિવાજી મહારાજ સારી પેઠે જાણતા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે, “સંભાજી અને ઔરંગઝેબ એ બન્ને મરાઠા રાજ્યને માટે એકસરખા શત્રુ છે; માટે મંત્રીઓ અને સેનાપતિ એકસંપ કરીને જીવસાટે પણ રાજ્યનું રક્ષણ કરવાની ચેષ્ટા કરશે, તોજ રાજ્ય બધી વિપત્તિઓમાંથી બચી શકશે.”

શિવાજીના મૃત્યુ પછી મંત્રીઓએ વિચાર કરી જોયો કે. સંભાજી તો પોતાની ખરાબ ચાલચલગતને લીધે રાજ્યનું રક્ષણ કરવા સંપૂર્ણ રીતે અયોગ્ય છે. રાજ્યના ભાગ કરી આપીશું, તો પણ વિરોધ ઊભો થશે. વિરોધનું અવશ્ય એ ફળ મળવાનું કે રાજ્ય છિન્નભિન્ન થઈ જઈને આખરે નાશ પામશે. બીજી તરફ રાજારામ હજુ બાળક હતો, એટલે મંત્રીઓએ કેટલાક વખત સુધી રાજ્યની લગામ પોતાના હાથમાં રાખવાનું વાજબી