પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 શિવાજીની બધી સાધના શું નિષ્ફળ જશે ? પણ એ સાધના જો નિષ્ફળ જાય, તો પછી આ જગતમાં સાધનાની સાર્થકતાજ શી રહે? શિવાજી મહારાજે મરાઠાઓમાં જે જીવન આણ્યું હતું, તે મહાન શક્તિપૂર્ણ જીવન, હજારો વંટેળિયાથી સહજમાં ઊખડી જાય એવું નહોતું. સંભાજીના પાપને લીધે બેશક મરાઠા જાતિને ઘણું ખમવું પડ્યું, પરંતુ સંભાજીના પ્રાયશ્ચિત્તની સાથે જાણે એનાં પાપ ધોવાઈ ગયાં અને તેમના મૃત્યુ પછી મરાઠાઓમાં હજારગણું બળ આવી ગયું.

શિવાજીએ ઉશ્કેરેલા હજારો બહાદુર યોદ્ધાઓ હજુ જીવતા હતા શિવાજીએ પોતાને હાથે કેળવેલા મરાઠા સૈનિકોના હૃદયમાં શિવાજીએ સંચારિત કરેલાં સાહસ, વીરતા અને રણકૌશલ્યના ગુણો હજુ જાગૃત હતા. મહારાષ્ટ્ર દેશમાં હવે આગ સળગી ઊઠી. એ આગ ધીમે ધીમે આખા ભારતવર્ષમાં ફેલાઈ અને તેમાં વિશાળ મોગલ સામ્રાજ્ય ભસ્મીભૂત થઈ ગયું.

રાજારામ આ વખતે ત્રીસ વર્ષનો યુવક હતો. તે ઘણો સદ્‌ગુણી હતો અને શિવાજી જેવા પિતાનો યોગ્ય પુત્ર હતો. તેજસ્વી તારાબાઈ તેની સ્ત્રી હતી. મરાઠા વીરો એ વીર યુવક અને વીરાંગનાની આસપાસ આવીને ઊભા.

મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં મોગલોએ પડાવ નાખ્યો હતો. રાજધાની રાયગઢમાં મોગલોનો વાવટો ઊડતો હતો. મરાઠા વીરો રાજારામને લઈને દક્ષિણમાં શાહજીની જાગીરના તાંજોર પ્રાંતમાં જીંજીના કિલ્લામાં ગયા. ધર્મ અને ન્યાય પ્રમાણે ઔરંગઝેબની પાસે નજરકેદમાં પડેલો સંભાજીનો બાળક પુત્ર શાહુ મહારાષ્ટ્રની ગાદીનો વારસ હતો, એટલે ધર્માત્મા રાજારામે પોતે રાજ્યાસન ગ્રહણ કર્યું નહિ. શાહુના પ્રતિનિધિ તરીકે પોતે આફતમાં આવી પડેલી મરાઠા જાતિનો આગેવાન બન્યો.

રાજારામ અને બીજા મરાઠા આગેવાનોએ જીંજીના દુર્ગમાં આશ્રય તો લીધો, પણ ત્યાં રહીને પોતાની જાતનું રક્ષણ કરવા ઉપરાંત બીજું કાંઈ તેમનાથી બની શકે એમ નહોતું.

પોતાનું રાજ્ય શત્રુએ જીતી લીધેલું હોવાથી, તેઓ રાજધાની છોડીને ઘણે દૂર જીંજીના કિલ્લામાં આવી વસ્યા હતા. તેમની પાસે પૈસો નહોતો, કેળવાયેલું લશ્કર નહોતું, વેરો ઉઘરાવવાનો