પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
મરાઠા વીરાંગના તારાબાઈ



કોઈ ઉપાય પણ નહોતો; પરંતુ મરાઠાઓના આગેવાનોમાં અદમ્ય ઉત્સાહ અને શક્તિ હતાં; મરાઠા જતિમાં હજુ પ્રાણ હતો; એટલે એમના બધા અભાવ ધીમે ધીમે પૂર્ણ થયા.

મહારાષ્ટ્રનો નાશ કરીને, વિશાળ મોગલ સામ્રાજ્યનું સૈન્ય અને સેનાપતિને લઈને ઓરંગઝેબ પોતે મહારાષ્ટ્રમાં પડ્યો હતો; પરંતુ એવા સમયે પણ મરાઠા આગેવાનો આખા દેશમાંથી થોડું થોડું લશ્કર એકઠું કરી શક્યા. એ મરાઠા સૈનિકો ઘણાજ ઠીંગણ પણ મજબૂત, કસાયેલા બાંધાના, સાહસિક, કહ્યાગરા અને કષ્ટ સહન કરી શકે એવા હતા. તેમને માટે તંબૂઓ ઊભા કરવાની જરૂર નહોતી પડતી. તેમને રસદની કે પલંગોની કે વાસણકૂસણોની જરૂર પડતી નહિ. ઘોડેસવાર થતી વખતે તેમને જીન સુધ્ધાંતની પણ જરૂર પડતી નહિ. એ લોકો પોતાના જ જેવા મજબૂત ઠીંગણા ઘોડાઓ ઉપર વગર જીનેજ સવાર થતા અને રાતના ઝાડની નીચે ઘોડો બાંધીને પોતે પણ ત્યાં જ સૂઈ રહેતા. બીજી તરફ મોગલ સેના જ્યાં છાવણી નાખતી, ત્યાં એક નવી રાજધાની વસી જતી. રાજધાનીમાં શાંતિના સમયમાં સૈનિકો અને સેનાપતિઓ જેટલા ભોગવિલાસ કરતા, તેટલાજ ભોગવિલાસની ગોઠવણ છાવણીમાં પણ કરવામાં આવતી હતી. તંબૂઓમાંજ ખૂબ સ્વાદિષ્ટ ભોજનો બનતાં, છાવણીની સાથે સાથે ગાડીઓ ભરીને રસદ ચાલતું. વિલાસની સામગ્રીઓ વેચનારા વણિકોની અસંખ્ય દુકાનો મંડાતી. તે ઉપરાંત ગાનારા, વાજિંત્ર વગાડનારા અને નાચનારી વારાંગનાઓનાં દળ પણ સાથે રહેતાં. ઇતિહાસવેત્તાઓ કહે છે કે, મોગલોની છાવણીમાં લશ્કર કરતાં લશ્કરના સેવકોની સંખ્યા ચારગણી હતી. આ ઉપરથી સમજી શકાશે કે, એ લોકોને માટે એક જગ્યાએથી છાવણી ઉપાડીને બીજે મુકામે પડાવ નાખવામાં કેટલો વિલંબ થતો હશે તથા કેટલો ખટરાગ કરવો પડતો હશે? પરંતુ એમ છતાં પણ આવા જંગી સૈન્યની સામસામાં આવી જઈને લડવા જેટલી શક્તિ મરાઠા લશ્કરની નહોતી. મરાઠાઓ પોતાની સ્થિતિ સારી પેઠે સમજતા હતા. તેઓ સામા આવીને કદી યુદ્ધ કરતા નહિ, આખા દેશમાં તેઓ ફેલાઈ જતા અને લાગ મળતાંવારજ મોગલસેના ઉપર છાપો મારીને તેને હેરાન કરતા. કોઈ વખત તેમની ખોરાકી લૂંટી લેતા, તો કઈ વખત તેમને મારીને ઠાર