પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 પણ કરી નાખતા અને પછી એવા પોબારા ગણી જતા કે, એમનો પત્તો પણ મોગલોને લાગતો નહિ. મોગલોનો પ્રયત્ન એ હતો કે, કોઈ પણ પ્રકારે એમને એક જગ્યાએ ઘેરી લેવા અને પછીથી એમનો સામટો કચ્ચરઘાણ વાળવો. જો એ લોકો પકડાઈ જાય તો જરૂર એમનો કચ્ચરઘાણ નીકળી પણ જાય, એમાં કાંઈ સંદેહ નહોતો. ઔરંગઝેબ પોતાના વિશાળ લશ્કર સાથે એમને પકડવા માટે ઠેકાણે ઠેકાણે ભટકતો અને મરાઠાઓ છૂટાછવાયા તેના લશ્કર ઉપર છાપો મારીને તેને ખૂબ હેરાન કરતા. આ પ્રમાણે યુદ્ધ ચાલવા લાગ્યું. ઓરંગઝેબ કંટાળી ગયો. જે મરાઠાઓને અત્યાર સુધી તેઓ સહેજમાં મારતા આવ્યા હતા, તેજ મરાઠા લશ્કરનું રણકૌશલ્ય તથા છાપા મારવાની એ નોખી રીત જોઈને મોગલ સૈન્ય ભયભીત થઈ ગયું.

બીજી તરફ સેનાપતિ જુલફિકારખાંએ જીંજીને ઘેરો ઘાલ્યો હતો, પણ રાજારામ અને તેના વીર સાથીઓએ સાત વર્ષ સુધી અતુલ પરાક્રમપૂર્વક એનો બચાવ કર્યો. ઔરંગઝેબ પોતે મરાઠાઓને જીતવાને માટે એવો રોકાયો હતો કે, જુલફિકારખાંની મદદમાં તે વધારે સૈન્ય મોકલી શક્યો નહિ. સાત વર્ષ પછી જીંજીનો કિલ્લો મુસલમાનોના હાથમાં આવ્યો, પણ તે પહેલાંજ રાજારામ અને તેના વીર સાથીઓ કિલ્લામાંથી પલાયન કરી ગયા હતા. ખાલી કિલ્લા ઉપર મોગલોએ અધિકાર જમાવ્યો.

રાજારામ તેના સાથીઓ સાથે મહારાષ્ટ્રમાં પાછો આવ્યો અને જે નાનાં નાનાં મરાઠી સૈન્યો મોગલોને હંફાવી રહ્યાં હતાં. તેનો પોતે નાયક બન્યો. ખુદ રાજારામની સહાયતા મળવાથી, એ બધા સેનિકોમાં બમણો ઉત્સાહ આવી ગયો અને તેઓ અદ્‌ભુત પરાક્રમથી યુદ્ધ કરીને મોગલોને ત્રાસ આપવા લાગ્યા.

દસબાર વર્ષ સુધી આ પ્રમાણે યુદ્ધ ચાલ્યા પછી એકાએક રાજારામનું અકાળ મૃત્યુ થયું. મંત્રીઓએ રાજારામના બાળક પુત્ર બીજા શિવાજીને ગાદીએ બેસાડીને રાજ્યને કારભાર તેની માતા તારાબાઈના હાથમાં સોંપ્યો.

આજ મહારાષ્ટ્રની ગાદીએ એક બાળક બેઠો હતો. પ્રબળ શત્રુઓ આજે મહારાષ્ટ્રને પોતાના અધિકારમાં લાવવાનો સતત યત્ન કરી રહ્યા હતા. એ શત્રુઓને દેશમાંથી કાઢી મૂકીને મરાઠા જાતિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાની અઘરી અને ગંભીર ફરજ