પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫
મરાઠા વીરાંગના તારાબાઈ


 તારાબાઇના ઉપર આવી પડી હતી, તોપણ તારાબાઈ તેથી ગભરાઈ નહિ. તેણે મોગલોનું શરણ લીધું નહિ, પણ દૃઢતાપૂર્વક તેમની સામે તે ટકી રહી.

અબળા હોવા છતાં પણ અને ભરજોબનમાં રાજારામ જેવો સ્વામી ખોયા છતાં પણ, તારાબાઈ પોતાના ગંભીર કર્તવ્યમાંથી ચલિત થઈ નહિ. પોતાનું બધું દુઃખ હૃદયમાંજ શમાવી દઈને આ મહાઆપત્તિને સમયે તેણે મહારાષ્ટ્રવીરોની આગેવાની લીધી. મંત્રીઓ અને સેનાપતિઓ આ તીક્ષ્ણ બુદ્ધિ અને પુરુષાતનવાળી તેજસ્વી વીરાંગનાની સરદારી તળે પહેલાંની પેઠેજ યુદ્ધ ચલાવવા લાગ્યા. તારાબાઈની અપૂર્વ શક્તિને લીધે રાજારામનો અભાવ કોઈને જણાયો નહિ.

લગભગ બીજા દસ વર્ષ પણ લાગલગાટ યુદ્ધ કરવામાં વીતી ગયાં. લગભગ વીસ વર્ષ સુધી ઔરંગઝેબ પોતે વિશાળ સૈન્ય લઈને મહારાષ્ટ્રમાં પડ્યો રહ્યો, પણ તે મરાઠાઓનું દમન કરી શક્યો નહિ. આખરે મરાઠાઓનાં સાહસ, ચતુરાઈ અને છાપા નાખવાની અસાધારણ કળાથી ત્રાસ પામી જઈને, એ પોતાના સૈન્ય સાથે અહમદનગર પાછો આવ્યો અને આખરે નિરાશ અને નાહિંમત થઈને મરણ પામ્યો.

ઓરંગઝેબના મૃત્યુ પછી તેની ગાદી માટે તેના પુત્રોમાં કજિયો ઉભા થયો, બીજા ભાઈઓને હરાવીને તથા તેમને સહકુટુંબ મારી નંખાવીને, તેનો મોટો દીકરો મૌજીમ, બહાદુરશાહના નામથી દિલ્હીનો બાદશાહ થયો.

મરાઠા યુદ્ધ બિલકુલ બંધ થયું નહિ, પરંતુ મોગલોની શક્તિ હવે ઢીલી પડી જવાથી, મરાઠાઓ પાછા ધીમે ધીમે પોતાની સત્તા દૃઢ કરતા ગયા.

શાહુ આટલા દિવસ સુધી મોગલોના તંબૂમાંજ ઊછર્યો હતો. તે હવે પુખ્ત ઉંમરનો યુવક થયો હતો. સારા કુટુંબની બે મરાઠા કન્યાઓ સાથે ઔંરંગઝેબે તેનાં લગ્ન કરી દીધાં હતાં.

બચપણથીજ શાહુ મોગલ તંબૂમાં ભેગવિલાસમાં ઊછર્યો હતો, એટલે રણ સંગ્રામના આવશ્યક ગુણો તેનામાં ખીલી શક્યા નહોતા. એ ઘણો વિલાસી યુવક થયો હતો. તે ઉપરાંત ઔરંગઝેબે સ્નેહ અને યત્નપૂર્વક તેનું પાલનપોષણ કર્યું હતું,