પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭
મરાઠા વીરાંગના તારાબાઈ



કાબૂમાં રાખી શકે, તો મરાઠાઓનું રાજ્ય મોગલાના હાથમાં ન પણ જાય. બાલાજી વિશ્વનાથના પોતાના હાથમાં જાય તો ભલે જાય. શાહુના રાજા થવાથી દેશ કાં તો મોગલોના કે કાં તો પેશ્વાના હાથમાં જશે અને શિવાજીએ સ્થાપેલા અને શિવાજીના પુત્ર–પોતાના સ્વામીએ રક્ષણ કરેલા રાજ્ય ઉપર શિવાજીના વંશજોનો કોઈ અધિકાર રહેશે નહિ. શિવાજી મહારાજની પુત્રવધૂ, રાજારામની સહધર્મિણી અને મહારાષ્ટ્રના વર્તમાન રાજાની વાલી તારાબાઈ અશક્ત શાહુના હાથમાં પોતાના સસરાનું રાજ્ય કેવી રીતે સોંપે ? તારાબાઈ પોતાનો પક્ષ મજબૂત કરી દૃઢતાથી શાહુ અને બાલાજી વિશ્વનાથની સામે ઊભી.

શાહુએ સતારામાંજ રાજધાની રાખી અને બીજા શિવાજીને લઈને તારાબાઈએ કોલ્હાપુરમાં રાજધાની સ્થાપી.

બાલાજી વિશ્વનાથના પ્રપંચને લીધે મરાઠા આગેવાનો એકે એકે તારાબાઈના પક્ષમાંથી ખસી જઈને શાહુના પક્ષમાં જવા લાગ્યા. આ પ્રમાણે પોતાનું બળ ઘણું ઓછું થઈ જવા છતાં પણ, અર્ધા મહારાષ્ટ્ર ઉપર તો તારાબાઈએ પોતાની સત્તા સાચવી રાખી, પરંતુ એવામાં તેના પુત્ર બીજા શિવાજીનું મૃત્યુ થયું. મંત્રીઓએ રાજારામની બીજી રાણીના પુત્રને કોલ્હાપુર ની ગાદીએ બેસાડ્યો.

રાજમાતા તરીકે તારાબાઈને જે સત્તા હતી, મરાઠા રાજ્ય ઉપર જે અધિકાર હતો, તે ચાલ્યો ગયો. શાહુના પેશ્વા બાલાજી વિશ્વનાથની વિરુદ્ધમાં પોતાનું બળ ટકાવી રાખવું, એ હવે તેને માટે અસાધ્ય હતું. કોલ્હાપુરની શક્તિ ક્ષીણ થઈ ગઈ. મહારાષ્ટ્રમાં સતારાનું રાજ્ય મુખ્ય ગણવા લાગ્યું.

બધી શક્તિ ગુમાવીને તારાબાઈ પોતાની દુઃખી જિંદગી પૂરી કરવા લાગી.

પેશ્વાના હાથમાં બધો રાજકારભાર સોંપી દઈને શાહુ નિશ્ચિંત મને આમોદપ્રમોદમાં પોતાનો વખત ગાળતો હતો. તારાબાઈની શંકા ખરી પડી. ધીમે ધીમે પેશ્વાજ મરાઠા રાજ્યના કરતા કારવતા થઈ પડ્યા.

બાલાજી વિશ્વનાથના મૃત્યુ પછી તેનો પુત્ર બાજીરાવ પેશ્વા થયો. શિવાજી મહારાજના પછી બાજીરાવ જેવો પ્રતાપી અને