પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

३८–मलबाई देसाण

હારાજા શિવાજીનું લક્ષ્ય એ હતું કે, આખો દેશ એક હિંદુ રાજાના હાથમાં રહીને, એકજ શાસનરાજ્ય પદ્ધતિ પ્રમાણે ચાલે; કારણકે એમ ન થાય ત્યાંસુધી આખા મહારાષ્ટ્રમાં વસનારાઓ એક પ્રજાત્વના દૃઢ બંધનથી બંધાઈ શકે નહિ. વિચક્ષણ અને દૂરંદેશ શિવાજી મહારાજ આ લક્ષ્ય સ્થિર કરીને મરાઠા જાતિનું બંધારણ ઘડી રહ્યા હતા. આ ઉદ્દેશ પૂરો પાડવા માટે એમને મહારાષ્ટ્રમાં ઘણા નાના નાના હિંદુ કિલ્લેદારો અને રાજાઓને જીતીને તેમને પોતાને આધીન કરી લેવા પડતા; પરંતુ એ કાર્યને માટે કોઈ પણ પ્રકારનો અન્યાય કરતા નહિ. એ કિલ્લેદાર કે રાજા એમનું ઉપરીપણું સ્વીકારી લે, તો એને યોગ્ય સન્માન આપીને પોતાના રાજ્યમાં સારો હોદ્દો આપતા.

એ વખતના કિલ્લાઓમાં બલ્લારીગઢ ઘણો પ્રખ્યાત હતો. એ ગઢમાં બેસીને બલ્લ્લારીરાજ સુખેથી પોતાના નાના સરખા રાજ્ય ઉપર અમલ ચલાવતો. રાજાનું મૃત્યુ થયું અને તેની વિધવા રાણી મલબાઈ દેસાણ એ કિલ્લાની અને એ રાજ્યની રાણી થઈ.

બીજા ઘણા દુર્ગોને સર કરીને શિવાજી મોટી સેના સાથે બલ્લારી દુર્ગ ઉપર ચડી આવ્યા. મલબાઇ ક્ષત્રિય વીરાંગના હતી. શિવાજીનો રાજનૈતિક હેતુ ગમે તેટલો ઊંચો હશે; જે ઉદ્દેશ સાધવા માટે તેમણે બલ્લારી દુર્ગ ઉપર આક્રમણ કર્યું હતું, તે ઉદ્દેશ ગમે તેટલો મહાન હશે, પણ ક્ષત્રિય વીરાંગના પોતાની હયાતીમાં વગર યુદ્ધે શત્રુના હાથમાં પોતાની સ્વતંત્રતા સોંપી દે, પોતાના તાબાનું રાજ્ય આપી દે, એ કદી સંભવિત નહોતું. વળી મલબાઈ શિવાજી મહારાજને મહારાષ્ટ્રના ઉદ્ધારક તરીકે કે એક પ્રજાત્વની ભાવનાસ્થાપક તરીકે જોતી