પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
મલબાઈ દેસાણ


 કિલ્લાની રક્ષા કરી; પણ હવે તેની શક્તિ ખૂટી ગઈ હતી. જે શિવાજીના બળ આગળ મોગલ બાદશાહની ફોજનાં હાજાં ગગડી જતાં હતાં, તે ફોજ સાથે લડવાનું બલ્લારીની નાની સરખી ફોજનું શું ગજું? આટલા દિવસ એ યુદ્ધને ટકાવી શકી, એજ તેને માટે તો ઘણું બહાદુરીનું કામ હતું. છેલ્લે દિવસે મરાઠા સંનિકોના પ્રબળ હુમલાથી બલ્લારી દુર્ગના કોટની એક ભીંત જરાક તૂટી પડી, તેમાં થઈ શિવાજીના સૈનિકો બલ્લારી દુર્ગમાં ધૂસી ગયા. મલબાઇ એ નિરુપાય થઈને શિવાજીનું શરણ લીધું, કારણ કે એ જ જાણતી હતી કે, શિવાજી જેવા ધર્માત્મા હિંદુ આગળ તેના સ્ત્રીધર્મનું અપમાન થવાનો જરા પણ સંભવ નથી.

મલબાઈની આટલી બધી વીરતાથી શિવાજી મહારાજ મુગ્ધ થઈ ગયા હતા. એ વીરાંગના તરફની ભક્તિ અને શ્રદ્ધાથી તેમનું હૃદય તેના તરફ સન્માનથી ખેંચાયું હતું, મલબાઈને જ્યારે તેમની સન્મુખ આણવામાં આવી, ત્યારે તેમણે ઊભા થઈને તેના ઘણો સત્કાર કર્યો. મલબાઈએ કહ્યું: “મહારાજ! આપ ૨ાજા છો, હું પણ રાણી છું. આપ સ્વતંત્રપણે આપનું રાજ્ય ચલાવો છો; હું પણ આટલા દિવસ સ્વતંત્રપણે મારા રાજ્યમાં શાસન કરતી હતી. આપની શક્તિ પ્રબળ છે. એ પ્રબળ શક્તિને લીધે મારા જેવી દુર્બળ અબળાનો ગ્રાસ કરવા આપ પધાર્યા છો. એ ગ્રાસ થતાં બચવાને માટે, મેં મારી સ્વલ્પ શક્તિત પ્રમાણે બન્યો તેટલો પ્રયત્ન કર્યો છે. હવે વધારે લડી નહિ શકાયાથી આપને શરણે આવવાની ફરજ પડી છે. આ૫ રાજા છો, રાજધર્મ સારી પેઠે જાણો છો. આપની સાથે યુદ્ધ કરવામાં મે રાજધર્મનુંજ પાલન કર્યું છે. હવે મારે વિશેષ કાંઈ કહેવાનું નથી. હું આપની પાસે કોઈ પણ જાતની પ્રાર્થના કરવા નથી આવી. મને આપે જે સજા કરવી હોય, તે સુખેથી કરો.”

શિવાજી બોલ્યાઃ “મા ! તમે રાણી છો. રાણી થવાને યોગ્ય છો અને રાણી પદ ઉપરજ બિરાજ્યાં રહેશો. મારાં માતુશ્રી જીજાબાઈ સિવાય બીજી કોઈ તમારા જેવી તેજસ્વી અને વીર સ્ત્રી મેં દીઠી નથી. જીજાબાઈના ગર્ભમાં હું જન્મ્યો છું. આ૫ના જેવાં વીરાંગના બાઈનું સન્માન કેવી રીતે સાચવવું એ મને આવડે છે. આજથી તમે મારાં માતુશ્રી સમાન છો. બલ્લારી દુર્ગ અને બલ્લારી રાજ્ય પહેલાંની માફક હાલ પણ સ્વતંત્રપણે