પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


આપનાજ તાબામાં રહેશે. જીવતાં સુધી હું આપના રાજ્યની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરીશ નહિ. હું આપના સંતાનસ્વરૂપ છું. મારા બધા અપરાધની ક્ષમા કરીને મને આશીર્વાદ આપો.”

મલબાઈએ કહ્યું: “મરાહારાજ ! હિંદુઓમાં ખરા રાજા આપજ છો. હું આપને આશીર્વાદ દઉં છું કે, આપનો સર્વત્ર જય થાઓ અને આપ ભારતમાં હિંદુ રાજ્યની સ્થાપના કરો. આપે મારી સ્વતંત્રતા છીનવી લીધી નથી, તેથી આપનો મારા ઉપર એટલો બધો ઉપકાર થયો છે કે, એનો બદલો કોઈ પણ રીતે મારાથી વાળી શકાય એમ નથી. આપને હું ખાતરી આપું છું કે, બલ્લારી રાજ્યની ક્ષુદ્ર શક્તિ હમેશાં આપની મદદમાં તૈયાર રહેશે.

શિવાજીની વિજયપતાકા બલ્લારી દુર્ગ ઉપર ઊડી નહિ. મલબાઇ દેસાણ પહેલાંની પેઠેજ બલ્લારી દુર્ગની રાણી રહી, પણ હવે એ શિવાજીની શત્રુ નહોતી, પણ મિત્ર હતી. વસ્તુતઃ બલ્લારીમાં શિવાજીનો પોતાનો દુર્ગજ હોય, તે પ્રમાણેજ બન્યું. એ નાના સરખા રાજ્ય તરફથી પોતાને ઉપદ્રવ થવાનો શિવાજીને જરા પણ સંભવ રહ્યો નહિ. આમ મલબાઈના અપૂર્વ પરાક્રમને લીધે બલ્લારી રાજ્યની પ્રજા પોતાની જ રાણીના તાબામાં રહેવાને ભાગ્યશાળી નીવડી.

३९–जमालखातून

હજરત મિયાં મીર લાહોરી નામના એક સાધુની બહેન હતી. પોતે પણ સાધ્વી અને ઈશ્વરપરાયણ રમણી હતી. તેણે પોતાની સાધના દ્વારા ભક્તસમાજને ઘણા ચમત્કાર કરી બતાવ્યા હતા, એમ કહેવાય છે. “સફીનત્-ઉલ્-ઔલિયા” નામના પુસ્તકમાં લખ્યું છે કે, એણે એક વખત એક વાસણમાં બે મણ ઘઉં ભરી રાખ્યા હતા અને તેમાંથી તે ગરીબને ઘઉં આપ્યા કરતી હતી. ઈશ્વરકૃપાથી એ પાત્ર અક્ષયપાત્ર થઈ ગયું અને સાધ્વી જમાલખાતૂન લાગલગાટ બે વર્ષ સુધી અનાથ અને સાધુઓને એમાંથી અન્નદાન કરતી ગઈ તો પણ ઘઉં ખૂટ્યા નહિ. એવા બીજા પણ અનેક ચમત્કારો તેણે કરેલા કહેવાય છે. હિજરી સન ૧૦૪૯ માં એ મરણ પામી.