પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

४०–सरयूबाळा

શિવાજી મહારાજે જ્યારે તોરણાનો કિલ્લો સર કર્યો, ત્યારે ત્યાં એમણે દુર્ગાદેવીનું એક મંદિર બંધાવ્યું અને જનાર્દન દેવ નામના એક બ્રાહ્મણને એ મંદિરનો પૂજારી બનાવ્યો. કેટલાક લેખકોના કહેવા પ્રમાણે સરયૂબાળાની જન્મભૂમિ રજપૂતાનામાં હતી; પરંતુ બાલ્યાવસ્થામાં જ તેનાં માતપિતા ગુજરી જવાથી જનાર્દન દેવે પોતાનીજ કન્યા પેઠે તેનું પાલનપોષણ કર્યું હતું. જનાર્દનને કાંઈ સંતાન નહોતું, એટલે એનો તથા એની સ્ત્રીનો સઘળો પ્રેમ એ બાલિકા ઉપર હતો. થોડા વખત પછી જનાર્દન દેવની પત્ની પણ મરી ગઈ અને સરયૂ એ વૃદ્ધ બ્રાહ્મણના એકમાત્ર આધારરૂપ બની. સરયૂ પણ પોતાના પાલક પિતાની સેવાચાકરી કરવામાં કાંઈ મણા રાખતી નહિ. દુર્ગાદેવીના મંદિરની આસપાસ એક નાનો સરખો સુંદર બગીચો હતો. સરયૂ એ બગીચામાં રમતી અને પિતાજી માટે પુષ્પ વીણી લાવતી.

સરયૂ ઘણી સુંદર હતી. કહે છે કે એ સમયમાં આખા રાજસ્થાનમાં એના જેવી સુંદર કન્યા કોઈ નહોતી. એનો ચહેરો સદા પ્રસન્ન રહેતો હતો. એ ઘણી સમજુ, જ્ઞાની, વી૨ અને ચતુર હતી. એને જોનારાઓ બધા એના સૌંદર્યથી આશ્ચર્ય પામી જતા.

સરયૂની ઉંમર દશબાર વર્ષની થઈ. ઉંમરની સાથે તેનું સૌંદર્ય પણ વધતું ગયું.

એક દિવસ સરયૂ મંદિરના બગીચામાંથી ફૂલ વીણતી હતી, એટલામાં એ બગીચામાં એક પથ્થર ઉપર સુંદર લશ્કરી પોશાકમાં સજ્જ થઈને બેઠેલા એક સુંદર યુવક તરફ તેની દૃષ્ટિ ગઈ. એ યુવક શિવાજીની સેનાનો રજપૂત હવાલદાર રઘુનાથ હતો.