પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 શિવાજી મહારાજ મુસલમાનો સાથે યુદ્ધમાં ઊતરવા માગતા હતા; એ યુદ્ધ કરવાની દેવીની ઈચ્છા છે કે નહિ, તે જાણવા સારુ તેમણે રધુનાથ હવાલદારને જનાર્દન દેવ પાસે મોકલ્યો હતો. રઘુનાથનો લશ્કરી પોશાક, એનું સૌંદર્ય, એના ચહેરા ઉપર જણાઈ આવતી બહાદુરી, એ બધા ગુણો સરયૂની આંખમાં ખૂપી ગયા. તેના હૃદયમાં રઘુનાથ માટે પ્રેમ ઉત્પન્ન થયો. વીર અને સાહસિક યોદ્ધા તરફ રજપૂત કન્યાને પ્રેમ થવો સ્વાભાવિક છે.

રઘુનાથ મંદિરમાં જઈને જનાર્દન પંડિતને મળ્યો. તેને શિવાજી મહારાજનો સંદેશો કહ્યો. રાત ઘણી વીતી ગઈ હતી, એટલે લાચારીએ રઘુનાથ જનાર્દન પંડિતને ઘેરજ રહી ગયો. જનાર્દનની આજ્ઞાથી સરયૂએ રસોઈ કરી અને રઘુનાથને ઘણાજ સત્કારપૂર્વક ભોજન કરાવ્યું. ભોજન સમયે સરયૂબાળાના અલૌકિક સૌંદર્યથી રધુનાથ મુગ્ધ થઈ ગયો.

ભોજન કરીને રઘુનાથ સૂઈ ગયો, પણ તેને નિદ્રા આવી નહિ. ચિત્તની વ્યગ્રતા દૂર કરવા સારૂ એ બગીચામાં જઈ ફરવા લાગ્યો. સંયોગવશાત્ ત્યાં એક મોતીની માળા ઉપર તેની દૃષ્ટિ પડી. રઘુનાથે એ માળા ઉપાડી લીધી અને બીજે દિવસે રૂબરૂ મળીને એ માળા સરયૂને હાથો હાથ આપવાનો તેણે વિચાર કર્યો. બીજે દિવસે સરયૂ બગીચામાં પુષ્પ વીણવા ગઈ, તે સમયે રઘુનાથ પણ ત્યાં ગયો અને વિવેકપુર:સર મોતીની માળા સરયૂના હાથમાં આપી. સરયૂ શરમાઈ ગઈ. તેના મોં ઉપ૨ પરસેવો છૂટ્યો. નીચી નજરે તેણે મધુર સ્વરે રઘુનાથને કહ્યું: “આપે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. આપ પાછા આ કિલ્લામાં ક્યારે પધારશો ? તમે આ કિલ્લામાં પધારો ત્યારે મંદિરમાં આવવાનું ભૂલશો નહિ.”

રધુનાથે જવાબ દીધો: “પારકો નોકર છું. હું મારૂં માથું હથેળીમાં લઈને ફરું છું. લડાઈ એ મારો ધંધો છે. જ્યાં શિવાજી મહારાજની આજ્ઞા થાય છે, ત્યાં હું જાઉં છું; એટલા માટે તારું દર્શન કરવાને હું ફરીથી ક્યારે ભાગ્યશાળી થઇશ તે મારાથી કહી શકાતું નથી; પણ એ તો નક્કી સમજજે કે તારા અતિથિ સત્કારનું સ્મરણ મને હમેશાં થયા કરશે અને હું તને કોઈ દિવસ નહિ વીસરી જાઉં. તું પણ મારા ઉપર કૃપા રાખજે.”

સરયૂ પ્રત્યુત્તર વાળી શકી નહિ. એના નેત્રમાંથી મોતી