પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯
સરયૂબાળા


 ક્ષત્રિય ધર્મથી પતિત થયા છે. હવે એમણે મારી આગળ ન આવવું જોઇએ.” ઘાયલ રાજા ઘણા દિવસ સુધી ટાઢ, તડકો વેઠીને બહાર પડ્યો રહ્યો. આ અરસામાં ચંદ્રરાવ ગજપતસિંહના બાળકોનો વાલી નિમાયો. ગજપતસિંહને લક્ષ્મીબાઈ નામને એક પુત્રી હતી તથા રઘુનાથસિંહ નામનો એક પુત્ર હતો. રધુનાથની વય એ વખતે બાર વર્ષની હતી. લક્ષ્મી કેવળ નવ વર્ષની હતી. ત્યાર પછી થોડા સમયમાં પોતાના દેશમાં જવાને બહાને ચંદ્રરાવ એ બંને બાળકોને લઈને બહાર નીકળ્યો. થોડે દૂર જઈને એણે રઘુનાથના નોકરોને ઠાર કર્યા. રઘુનાથને એ ખબર નહોતી કે, પાપી ચંદ્રરાવ તેના પિતાનો ઘાતક છે; પરંતુ એ ચતુર હતો. ચંદ્રરાવની વ્યાકુળતા તથા રસ્તામાં પોતાના વિશ્વાસુ નોકરનો વધ જોઈને એ ચેતી ગયો કે, ચંદ્રરાવ તેનો શત્રુ છે. તેથી તે ત્યાંથી છાનેમાનો નાસી ગયો. લક્ષ્મી ચંદ્રરાવની સાથેજ રહી અને પાછળથી ચંદ્રરાવે તેની સાથે વિવાહ કરી લીધો. ચંદ્રરાવે થોડા સમયમાં શિવાજી મહારાજની સેનામાં દાખલ થઈને જમાદારની પદવી મેળવી.

એ વખતે શિવાજી મહારાજને પોતાનું સૈન્ય વધારવાની ઘણી ઈચ્છા હતી, તેથી એ ચાલાક અને બળવાન યુવકોને જલદી પોતાની નોકરીમાં રાખી લેતા. દેવસંજોગે રઘુનાથ પણ ફરતો ફરતો શિવાજીની પાસે આવ્યો અને સિપાઈ તરીકે નોકર થઈ ગયો. આ વખતે રઘુનાથની ઉંમર અઢાર વર્ષની હતી. અહીંયાં ચંદ્રરાવ અને રધુનાથને પાછા મળવાનો સંયોગ ઉત્પન્ન થયો. રઘુનાથના મનમાં કાંઈ ઈર્ષ્યા કે દ્વેષ નહતો, પણ પાપી ચંદ્રરાવના મનમાં હમેશાં બીક રહેતી હતી કે, રખે રઘુનાથને એના પિતાના વધની ખબર પડી જાય અને એ મારા ઉપર બદલો લે; એટલા માટે એ નરાધમ રઘુનાથનો પણ ઘાટ ઘડવાની તજવીજમાં રહેવા લાગ્યો. રઘુનાથસિંહમાં એના પિતાની વીરતાનો ગુણ પૂર્ણપણે આવ્યો હતો, એટલે એ લશ્કરમાં ઘણો પ્રિય થઈ પડ્યો, પૂનાના યુદ્ધમાં એણે શિવાજીનો પ્રાણ બચાવ્યો હતો, તેથી સૌ કોઇ એનું ઘણું માન રાખતા હતા. એક વાર એવો સંયોગ બન્યો કે, રુદ્રમંડળના કિલ્લામાં શિવાજી ઘેરાઈ ગયા હતા અને શત્રુઓ તેમને મારી નાખવાની યુક્તિ રચી રહ્યા હતા, એટલામાં રધુનાથને એ વાતની ખબર પડી, એટલે એણે