પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
સરયૂબાળા



બતાવીશ નહિ. જે ક્ષત્રિયમાં સ્વામીભક્તિ નથી હોતી, તે દેશ અને જાતિનો રક્ષક બનવાને અયોગ્ય છે, એ મહાપાપી છે.” શિવાજીના હાથનો સંકેત થતાંવારજ પ્રણામ કરીને રઘુનાથ ત્યાંથી ચાલ્યો ગયો. લક્ષ્મીએ આ સમાચાર સાંભળ્યા. એને પણ ઘણો શોક થયો. પોતાનો ભાઈ અને બહાદુર ગજપતસિંહનો પુત્ર નિમકહરામ નીવડે, એ વાત એ કદાપિ માની શકી નહિ. એ મનમાં ને મનમાં ઘણી જ દુઃખી થઈ. ચંદ્રરાવ ઘણો પ્રસન્ન થયો, કારણ કે એની મનોવાંચ્છના પૂર્ણ થઈ હતી.

તોરણાના કિલ્લાની ચારે તરફ ગાઢું વન હતું. આવા અપમાન પછી સરયૂને મળવાનું રઘુનાથે વાજબી ધાર્યું નહિ. એ જંગલમાં પહાડ ઉપર એક દેવીના મંદિરમાં રહેવા લાગ્યો. અહીંયાં મનુષ્યની કે પશુઓની અવરજવર નહોતી. મંદિરની તળે એક પહાડી નદી જોરથી વહેતી હતી. રઘુનાથે ત્યાં આગળ એક કુટીર બંધાવી દીધી અને સરયૂને પ્રાપ્ત કરવાની આશા છોડી દઈને સાધુના વેશમાં ત્યાં રહેવા લાગ્યો. હવે એના માથાના કેશ વધી ગયા હતા. નખ પણ લાંબા થઈ ગયા હતા. આખા શરીરે ભસ્મ ચોળી હતી. હવે એણે પોતાનું નામ પણ બદલી સીતાપતિ રાખ્યું હતું. રાત દિવસ વેદમંત્ર ભણવામાં અને ઈશ્વરની ભક્તિ કરવામાં તેનો સમય વ્યતીત થતો હતો.

સરયૂને હમેશાં ૨ઘુનાથનું સ્મરણ થયા કરતું હતું. રઘુનાથને મળવાની ચિંતા એને સદા થયા કરતી હતી, એટલામાં કોઈએ આવીને ખબર આપી કે, “રઘુનાથ નિમકહરામ નીવડ્યો. એ શિવાજીના શત્રુઓ સાથે મળી ગયો હતો, એટલા માટે શિવાજીએ તેને પોતાના સૈન્યમાંથી કાઢી મૂક્યો.” આ સમાચાર સરયૂના જેવી અબળાને માટે વજ્રાઘાત સમાન હતા. એ ગાંડા જેવી થઈ ગઈ. પોતાનો હૃદયેશ્વર રઘુનાથ શત્રુઓની સાથે મળી જઈને સ્વામીનું અનિષ્ટ ઈચ્છે, એ વાત એને કદી સંભવિત લાગી નહિ. એને ખાતરી હતી કે, કહેનારાઓ જૂઠા છે. એ લોકોને રધુનાથની વીરતા અને ધર્મનિષ્ઠાની ખબર નથી. આ સમાચારથી જનાર્દન પંડિતની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યાં. તેમણે સરયૂને કહ્યું: “બેટા ! તું હવે રઘુનાથનું નામ બિલકુલ ભૂલી જા. જાતિદ્રોહી પુરુષ કદી તારો પતિ થવાને યોગ્ય નથી. એ પોતાના હિંદુ ધર્મનો કાંઈ પણ વિચાર કર્યા વગર દુશ્મનો મળી ગયો