પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



છે.” સરયૂ મૌન અને ગંભીરતાપૂર્વક પિતાની આજ્ઞા સાંભળી રહી. દિનપ્રતિદિન એ વધારે દુઃખી અને ચિંતાતુર દેખાવા લાગી. એને તો ખાતરી હતી કે, રઘુનાથ નિર્દોષ છે; પણ બીજા બધાને એને માટે વહેમ હતો, એટલે એ ચુપચાપ બેસી રહી.

એક દિવસ ચિત્ત ઘણુંજ વ્યાકુળ થઈ આવ્યું, એટલે એ દેવીના મંદિરમાં જવા નીકળી. એને ખબર નહોતી કે, એજ મંદિરમાં રઘુનાથ છે. જ્યારે આ મંદિરની પાસે પહોંચી, ત્યારે એક કુટીરમાં તેણે એક સાધુને જોયો. સરયૂના હૃદયમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને એ સાધુની પાસે જઈને કહેવા લાગી. “મહારાજ ! હું દુર્બળ અને અનાથ બાલિકા છું. આપની મદદ માગવા આવી છું. આપ મને મારી મૂર્ખતા માટે ક્ષમા કરશો.”

સાધુએ ગંભીરતાપૂર્વક ઉત્તર આપ્યો “તું જે ઉદ્દેશથી અહીં આવી છું, તે હું જાણું છું. તું કોઈ નવયુવક યોદ્ધાની ખબર પૂછવા માગે છે ખરું ને?” આ ઉત્તરથી તો એ સાધુ ઉપર સરયૂને વિશ્વાસ બેસી ગયો. એના ચરણમાં માથું મૂકીને એ બોલી કે, “મહારાજ ! એના સંબંધમાં જે બધું કહેવાય છે એ વાત શું ખરી છે?”

સાધુએ કહ્યું: “દુનિયા એને નિમકહરામ કહે છે. ”

સરયૂએ પૂછ્યું: “આપ પણ એવું જ ધારો છો ?”

સાધુએ આડકતરાઈથી જવાબ આપ્યો: “શિવાજી મહારાજે એને નિમકહરામ ગણીને પોતાના લશ્કરમાંથી કાઢી મૂક્યો છે.”

આટલું સાંભળતાંજ સરયૂનું મુખ ક્રોધથી લાલચોળ થઈ ગયું. એણે નીચી નજરે કહ્યું: "મહારાજ ! કોઈ કહે કે સાધુ કપટી થાય છે, તો એ હું માની લઈશ; પરંતુ રઘુનાથસિંહ નિમકહરામ છે, એ હું કદી માનીશ નહિ, માફ કરજો હું જાઉં છું.”

સાધુની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. એને ખાતરી થઈ કે આખી દુનિયામાં કોઈ નહિ, તો પણ એક તો એવી વ્યક્તિ છે કે જે ખરા અંતઃકરણથી એને નિર્દોષ ગણે છે, એણે નમ્રતા અને પ્રીતિપૂર્વક કહ્યું: “તેં હજુ મારી વાત તો સાંભળી નથી.”

સરયૂએ કહ્યું: “ત્યારે એ પણ કહી દો.”