પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫
સરયૂબાળા



સરયૂએ કહ્યું: “હું રજપૂતની છોકરી છું. રજપૂતાણીઓ અવિશ્વાસી નથી હોતી.”

સાધુએ કહ્યું: “બસ, હવે મારે વધારે પૂછવાની જરૂર નથી. હું આજે જ અહીંથી રઘુનાથની શોધમાં જાઉં છું. તેને હું તારો સંદેશ સંભળાવીશ.”

રઘુનાથ હવે શિવાજી પાસે જઈ પોતાના ઉપરનું કલંક દૂર કરાવવા માટે ત્યાંથી નીકળ્યો, પરંતુ ઘણા સમય સુધી એને શિવાજીને મળવાનો લાગ મળ્યો નહિ. થોડા સમય પછી તેના સાંભળવામાં આવ્યું કે, શિવાજી દિલ્હી ચાલ્યા ગયા છે. એ પણ લાંબી મજલ કાપીને ત્યાં જઈ પહોંચ્યો. ઔરંગઝેબે લાગે જોઈને, પ્રપંચથી શિવાજીને કેદ કરી લીધા હતા. રઘુનાથ આ સમાચાર સાંભળીને ઘણો દિલગીર થયો. કોઈ પણ પ્રકારે મહારાષ્ટ્રના એ સિંહને કેદખાનામાંથી છોડાવવાને માટે એ વેશ બદલીને મહેલની આસપાસ આંટા મારવા લાગ્યો. બીજા લોકોને મળીને એણે બધી બાતમી મેળવી લીધી. ઈશ્વરકૃપાએ શિવાજી મહારાજ પોતાની યુક્તિથી મીઠાઇના ટોપલામાં બેસીને બહાર નીકળી આવ્યા; પરંતુ ત્યાંથી નાસી જવા માટે કાંઇ વાહન એમની પાસે નહોતું. પગે ચાલીને જવાથી પાછા પકડાઈ જવાનો સંભવ હતો. એ વખતે રઘુનાથ એક કસેલા ઘોડા સાથે ત્યાં તૈયાર ઊભો હતો. એણે એ ઘોડો શિવાજી મહારાજને સોંપી દઈને કહ્યું: “મહારાજ! સવાર થઈ જાઓ.”

શિવાજીએ જ્યારે રઘુનાથને ઓળખ્યો ત્યારે એ આશ્ચયચકિત થઈ ગયા. એમણે કહ્યું: “રઘુનાથ ! તું અહી ક્યાંથી ?”

રઘુનાથે કહ્યું: “મહારાજ ! આ વાર્તાલાપ કરવાનો સમય નથી. આપ ઘોડા ઉપર બેસીને દિલ્હીમાંથી ચાલ્યા જાઓ.”

શિવાજી અને સંભાજી સાધુના વેશમાં મથુરા અને જગન્નાથ થઈને મહારાષ્ટ્રમાં પહોંચ્યા. ત્યાર પછી રઘુનાથે શિવાજીની સાથે રહીને બીજા કિલ્લાઓ જીતવામાં ઘણું પરાક્રમ બતાવ્યું. તેની સ્વામીભક્તિથી પ્રસન્ન થઈને શિવાજીએ તેને કિલ્લેદાર બનાવ્યો.

આ અરસામાં શિવાજીને ચંદ્રરાવનાં કુકૃત્યોની ખાતરી થઈ ગઈ હતી. તેમણે તેને ફાંસીની સજાનો હુકમ આપ્યો; પણ ઉદારચરિત રઘુનાથે શિવાજી મહારાજને પગે પડીને કહ્યું કે, “ગમે તેમ પણ એ મારો બનેવી છે. મારી બહેનના સૌભાગ્ય