પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

४३–रूपमंजरी

બંગાળાના વર્ધમાન જિલ્લામાં કલાઈ ઝૂંટી નામક ગામમાં ઈ. સ. ૧૭૭૪ માં આ સન્નારીનો જન્મ થયો હતો. તેના પિતાનું નામ નારાયણદાસ અને માતાનું નામ સુધામુખી હતું. નારાયણદાસ ઘણો વિદ્વાન પુરુષ હતો. એને કોઈ પુત્ર નહોતો, તેથી તેણે રૂપમંજરીને જ પુત્ર પ્રમાણે લાડ લડાવ્યાં હતાં.

બાલ્યાવસ્થાથી જ પોતાની એકની એક કન્યાને ભણાવવાગણાવવાનું નારાયણદાસે શરૂ કરી દીધુ હતું. રૂપમંજરીની બુદ્ધિ પણ પિતાની પેઠે ઘણી તીવ્ર હતી. થોડા જ સમયમાં એ વાંચતાંલખતાં શીખી ગઈ. જેટલા ટૂંકા સમયમાં રૂપમંજરી વાંચતાંલખતાં શીખી ગઈ તેટલા સમયમાં ઘણાં થોડાં બાળકો એટલો અભ્યાસ કરે છે. તેની તીવ્ર બુદ્ધિ જોઈને, લોકોએ તેને વ્યાકરણ ભણાવવાનો આગ્રહ કર્યો. નારાયણદાસે લોકોની સલાહ મુજબ તેને વ્યાકરણ ભણાવવું શરૂ કર્યું. થોડા દિવસમાં તેને વ્યાકરણ શાસ્ત્રનો પણ સારો અભ્યાસ થઈ ગયો.

બહાદુરપુરમાં વદનચંદ્ર તર્કાલંકાર નામે એક સારો વિદ્વાન રહેતો હતો. નારાયણદાસે રૂપમંજરીને તેની પાસે શબ્દશાસ્ત્રનો અભ્યાસ કરવા મોકલી. ત્યાં એ વિદ્યાભ્યાસ કરતી હતી, એવામાં તેના પિતા નારાયણદાસનો દેહાંત થઈ ગયો; એટલે રૂપમંજરીને અભ્યાસ છોડી દઈને પિતાને ગામ આવવું પડ્યું. ઘર આગળ પિતાની યથાવિધિ ઉત્તરક્રિયા કર્યા પછી, એ પખસર ગામ ગઈ અને ત્યાં પંડિત ગોલાનંદ તર્કાલંકાર પાસે કાવ્ય ભણવા લાગી. કાવ્યમાં તેણે સારી પ્રવીણતા મેળવી. ત્યાર પછી વૈદક વિદ્યા તરફ તેની દૃષ્ટિ ગઈ. એ શાસ્ત્રનો પણ તેણે થોડોઘણો અભ્યાસ કર્યો.

રૂપમંજરીની બુદ્ધિ બચપણથીજ ઘણી તીવ્ર હતી. આગળ ઉપર એ ઘણી બુદ્ધિમતી અને વિદુષી નારી નીવડી. વ્યાપારી