પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
વીરા


અને વ્યવહાર સંબંધી હિસાબકિતાબ પણ એ જાણતી હતી. લોકો એને વિદ્યાલંકાર અને તર્કાલંકાર નામથી બોલાવતા હતા.

એ ઘણી સુશીલ, સરળ, નમ્ર અને નીતિવાળી હતી. તેનો ધર્મ વૈષ્ણવ ધર્મ હતો. શરીરની આકૃતિ મધ્યમ હતી. વિવાહના બંધનમાં પડવું તેણે યોગ્ય નહોતું ધાર્યું. આખી જિંદગી સુધી એ કુમારીજ રહી હતી અને બ્રહ્મચારિણીના ધર્મનું તેણે પૂરેપૂરું પાલન કર્યું હતું. પોશાક પણ તે પુરુષના જેવોજ પહેરતી હતી.

ધોતિયું તથા પહેરણ પહેરતી અને માથું મૂંડાવેલું રાખતી; બહાર જતી વખતે માથા ઉપર દુપટ્ટો બાંધતી હતી.

તેનું આખું જીવન વિદ્યાભ્યાસમાં જ વ્યતીત થયું હતું. ઘણાં લોકોએ તેની પાસે વ્યાકરણ, ચરક, નિદાન અને કાવ્યશાસ્ત્ર આદિ અઘરા વિષયોનો અભ્યાસ કર્યો હતો. માનક ગામના કવિરાજ ભોલાનાથે વેદકનું શિક્ષણ તેનીજ પાસેથી લીધું હતું. તેના હસ્તાક્ષર ઘણાજ સુંદર અને ઘાટદાર હતા. વિદ્યાથીઓને ભણાવીને તથા વૈદકનો ધંધો ચલાવીને એ પોતાનું ગુજરાન કરતી. એ પ્રાંતમાં એ બધાં શાસ્ત્રોમાં અદ્વિતીય ગણાતી હતી.

વિદ્યા સંપાદન કરવામાં એની જેટલી રુચિ હતી, તેટલીજ પુણ્યકાર્ય તરફ હતી. ૯૨ થી ૯૬ વર્ષની પાકી વયે તેણે કાશી, ગયા, પ્રયાગ, મથુરા, વૃંદાવન આદિ તીર્થોની યાત્રા કરી હતી. પૂરૂં ૧૦૨ વર્ષનું આયુષ્ય ભોગવીને ઈ. સ ૧૮૭૬ માં એ સ્વર્ગવાસ પામી હતી. સ્ત્રીઓમાં એના જેવી વિદુષી અને દીર્ધાયુષી ઘણી થોડી થઈ ગઈ છે.

४४-वीरा

વીરાનાં બનાવેલાં પદ જોધપુરના પુસ્તકાલયમાં એકજ પદસંગ્રહમાં જોધપુરના મહારાજા શ્રીવખતસિંહજીના પદોની સાથે મળી આવે છે. એ મહારાજા સાથે એને કોઈ જાતનો સંબંધ હતો કે નહિ, તે નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી. એનાં પદ પણ મહારાજાના પદની પેઠે કૃષ્ણભક્તિથી પરિપૂર્ણ છે. વીરા સંવત ૧૮૦૦ માં સતી થઈ હતી.