પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સતી અંજના


પવનંજય મંત્રી તથા સૈન્ય લઈ રાવણની મદદે ગયો. રસ્તામાં એક સરોવરને તીરે મુકામ કર્યો હતો, ત્યાં એક ચક્રવાકીને પતિના વિયોગથી વિલાપ કરતી સાંભળી. એને પણ પત્નીનું સ્મરણ થઈ આવ્યું. પ્રસંગ જોઈને મંત્રીએ તેના મનમાંનો વહેમ દૂર કર્યો અને કુમારને અંજનાના સદાચારની ખાતરી કરાવીને કહ્યું:

“મહા સતી માંહે રે મૂલગી,અહોનિશ સેવતી જિન તણો ધર્મ તો.
પુરુષ પરાયો વાંછે નહિ, વચન વરાંસે કાંઈ કરો રીસ તો.
શિયળ સરોવરે ઝીલતી એણે મોક્ષગામી જાણીનામ્યું શીશ તો.”

મંત્રીનાં વચનથી કુમારનું ચિત્ત પીગળ્યું. હૃદયમાં પશ્ચાત્તાપ ઉદ્‌ભવ્યો અને પત્નીપ્રેમનો પણ સંચાર થયો. હવે આગળ વધવું તેને માટે દોહ્યલું થઈ પડ્યું. પોતાના ખાતરજ જીવન સર્વસ્વ ગાળનાર સ્નેહાળ પત્નીનાં દર્શન ગમે તે પ્રકારે પણ કરી આવવાં એવો એણે સંકલ્પ કર્યો. લાવલશ્કર સહિત પાછો જાય તો લોકો મશ્કરી કરે માટે ગુપ્ત વેશેજ એ મહેલમાં ગયો અને અંતઃપુરનાં કમાડ ખખડાવ્યાં. અંજનાની સખી વસંતમાળાએ જવાબ આપ્યો કે, “કુમાર તો ચુદ્ધક્ષેત્રમાં ગયા છે અને આવી રાતે મહેલમાં આવી બારણાં ઠોકના૨ લંપટ પુરુષ કોણ છે ? સવારે રાજાજીને કહીને ખબર લેવરાવીશ.” કુમારે પોતાને પરિચય આપ્યો, એટલે વસંતમાલાએ તેને અંદર બોલાવ્યો. અંજનાદેવી એ સમયે પૂજામાં બેઠી હતી. ધર્મકાર્યથી પરવારીને એ પતિને પગે લાગી. પવનંજયે તેની ક્ષમા માગીને જણાવ્યું કે, “તું ખરેખર અમૂલ્ય સતી છે. મેં તને કડવાં અને અણઘટતાં વેણ કહીને દૂભવી છે. તારો મેં ઘણો અનાદર કર્યો છે. મને હવે ઘણોજ પશ્ચાત્તાપ થાય છે. દેવિ ! મને ક્ષમા કરો !” પતિ હાથ જોડીને નીચે નમવા જતો હતો, તેને રોકીને અંજનાએ કહ્યું:—

“એવાં હલકાં કાં બોલો ઉચ્ચારતો,
જેવીરે પગ તણી મોજડી તેહવી હોવે રે પુરુષ તાણી નાર તો.”

હાથ જોડીને એ આગળ ઊભી અને મીઠાં પ્રેમવચનોથી પતિનો સત્કાર કર્યો. ભાતભાતનાં ભોજન પોતાને હાથે ખવરાવીને તથા સુંદર ગીત ગાઈને પતિને ઘણોજ રીઝવ્યો. કુમારે પણ કામવિહ્‌વળ પત્નીને સંતોષી અને પ્રેમપૂર્વક યુદ્ધમાં જવાની રજા માગી. એ વખતે અંજનાએ કહ્યું: “આપ અહીં પધારી ગયા છો ને જો