પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



લડો.” આખરે એજ પ્રમાણે શીખ લોકોએ પ્રબળ વેગથી મરાઠાઓ ઉપર આક્રમણ કર્યું અને તેમને હરાવીને જિત મેળવી.

ઈ૦ સ૦ ૧૭૯૬ માં રાજા નાહનની પ્રજાએ બળવો કર્યો, રાણી પોતાની થોડી સેના લઈને નાહન પહોંચી અને ત્રણ મહિના ત્યાં રહીને બળવાખોરોને ઠેકાણે આણ્યા. નાહનના રાજાએ પણ રાણીની વીરતાની પ્રશંસા કરી અને વિદાય થતી વખતે ઘણી કિંમતી ભેટ આપી.

ઈસ. ૧૭૯૮માં જ્યોર્જસ ટોમ્સ નામનો ફ્રેંચ અમલદાર હાંસી હિસાર ઉપર કબજો કરતો કરતો ઘણી મોટી પાયદળ સેના, એક હજાર ઘોડેસવાર તથા પ૦ તોપો લઈને શીખોના રાજ્ય તરફ આવ્યો. એણે ઝીંદ રાજ્યને ઘેરો ઘાલ્યો. બધા શીખ સરદારોની ફોજો ટોમ્સની સેના સાથે લડી, પણ એને ફતેહ મળી નહિ. આખરે રાણી સાહેબકુંવરી પોતાના વીર સૈનિકો સાથે યુદ્ધભૂમિમાં પહોંચી અને વિકટ યુદ્ધ કરીને ટોમ્સની સેનાને એવી હંફાવી મૂકી કે, તેને લાચાર થઈને જેલમની તરફ હઠવું પડ્યું. બીજી શીખ સેનાએ તેમને પાછા હઠતા જોઈને તેમના ઉપર હુમલો કર્યો, પણ ટોમ્સની સેનાએ પાછા વળીને શીખ સેના ઉપર તોપોની એવી વૃષ્ટિ કરી કે તેમને ગભરાઈને આમતેમ નાસી જવું પડ્યું. આ પરાજયથી સાહસહીન થઈને શીખ લોકોને ટોમ્સ સાથે સંધિ કરવી પડી. યાદ રાખવું જોઈએ કે આ નાસી જનારી સેનામાં શાણી સાહેબકુંવરીના સિપાઈઓ સામેલ નહોતા.

આ યુદ્ધ કરીને રાણી પતિયાલા પાછી ગઈ. હવે રાજ્યને કોઈ બહારના શત્રુનો ભય ન રહ્યો, ત્યારે રાજા સાહેબસિંહના સ્વાર્થી સલાહકારોએ રાજાને ભંભેર્યો અને રાણીની વિરુદ્ધ રાજાના મનમાં એવો વિચાર ઠસાવી દીધો કે, એ બેવકૂફ રાજા પોતાની બહેનના બધા ઉપકાર વીસરી ગયો અને ખોટો આરોપ મૂક્યો કે, “મને સાહેબકુંવરી તરફથી મારા પ્રાણનો ભય છે.”

રાણી સાહેબકુંવરી ભાઈની દાનત ફરી ગયેલી જોઈને, પતિયાલા છોડીને પોતાની જાગીરમાં જઈને રહેવા લાગી. ત્યાં આગળ તેણે એક મજબૂત કિલ્લો બંધાવ્યો. રાજાએ ત્યાં પણ રાણીને ન રહેવા દેતાં હુકમ મોકલ્યો કે, “કિલ્લો ખાલી કરીને