પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
સાહેબકુવંરી


 પતિના રાજ્યમાં ચાલી જા.” રાણી પતિની પાસે જવામાં તો ઘણી ખુશ હતી, પણ અપ્રતિષ્ઠા સાથે જવું તેને ઘણું કારમું લાગ્યું. તેણે પતિયાલા જવાનો વિચાર કર્યો. રસ્તામાં એક વિશ્વાસપાત્ર પુરુષે તેને સમજાવી કે, “રાજાનું ચિત્ત ચગડોળે ચડ્યું છે, એવી દશામાં પતિયાલા જવું એ વાજબી નથી.” રાણી પાછી પોતાના કિલ્લામાં આવી. રાજાએ ગુસ્સે થઈને પોતાની બહેન સાથે લડવાની તેયારી કરી, પણ મંત્રીઓએ સલાહ આપી કે, “સાહેબકુંવરીબાઈએ મોટા જબરજસ્ત મરાઠાઓ અને ફિરંગીઓને હંફાવ્યા છે, તો તમે શી ગણતરીમાં છો?” રાજાએ એમની સલાહ માનીને બહેનની જોડે સંપ કર્યો અને કહ્યું કે, “પતિયાલામાં પહેલાંની માફક જ તમારું માન સાચવવામાં આવશે.” રાણી ભાઈની વાત ખરી માનીને ત્યાં ગઈ, એટલે ભાઈએ તેને ઢોક્રોધનના કિલ્લામાં કેદ કરી દીધી. ત્યાં ઘણો વખત કેદ રહ્યા પછી, એ પોતાના નોકરના વેશમાં બહાર નીકળી ગઈ અને ભેરયાંમાં જઈને રહેવા લાગી. ત્યાં આગળ રાણીના શુભચિંતક નોકરોથી ડરી જઈને રાજાએ તેને હેરાન કરી નહિ.

જ્યાં સુધી જીવતી રહી ત્યાં સુધી રાણીએ પોતાની જાગીરનો બંદોબસ્ત ઘણી સારી રીતે કર્યો અને પતિયાલા રાજ્ય સાથે જરા પણ સંબંધ ન રાખ્યો. રાણી ઘણી પતિપરાયણ હતી, પરંતુ રાજકાજને માટે તેને પતિયાલામાં ઘણું રહેવું પડ્યું, તેથી પતિપત્ની ઘણા થોડા દિવસ ભેગાં રહ્યાં. ઈ૦ સ૦ ૧૭૯૯માં રાણી સાહેબકુંવરીનું મૃત્યુ થયું એમ કહેવાય છે. ભાઈની કૃતઘ્નતાને લીધે એના ચિત્તને એવો ઊંડો ઘા લાગ્યો હતો કે, એ ચિંંતામાં ને ચિંંતામાંજ એ મરી ગઈ. બહેનના મરી ગયા પછી પતિયાલાના રાજાને પણ પોતાના પાછલા અન્યાયને માટે ઘણોજ પશ્ચાતાપ થયો, પણ પાછળથી પસ્તાયે શું થાય ?