પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫
તાઇબાઈ



એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખતો. જ્યાં સુધી એ તાઇબાઈની પાસે રહેતો, ત્યાંસુધી તો એનાં આચરણ ઠીક રહેતાં, પણ તેનાથી દૂર જતાંવારજ એ પાછો જેવો ને તેવો તોફાની અને દુષ્ટ બની જતો.

આ પ્રમાણે ઘણો જુલમ વેઠવાથી પ્રજા પરશુરામ પંત ઉપર ઘણીજ નાખુશ થઈ ગઈ અને તાઇબાઈએ ઘણુંએ સમજાવ્યા છતાં, પણ તે શાંત થઈ નહિ અને પરશુરામના ઉપર ચઢાઈ કરવા તૈયાર થઈ. પરશુરામની માતાએ જ્યારે આ દશા જોઈ, ત્યારે એમણે રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લેવાનો નિશ્ચય કર્યો, પરંતુ પરશુરામે એમ કરવા દીધું નહિ. લાચારીએ માતાએ બાજીરાવ પેશ્વાની મદદ લીધી.

હવે રાજ્યનો વહીવટ માતાના હાથમાં આવી ગયો અને પરશુરામ મોં તાકતો રહી ગયો; પણ આટલાથી એ સંતોષ પકડીને બેસી રહ્યો નહિ. એણે સતારાના રાજાની મદદથી બાજીરાવ પેશ્વા ઉપર ચડાઈ કરી, પણ પરિણામ એ આવ્યું કે રાજ્ય ઉપર પોતાનો કબજો કરવાને બદલે, પોતેજ પેશ્વાના કબજામાં સપડાઈને કેદ પકડાયો.

આ અરસામાં તાઇબાઈએ થોડુંક લશ્કર એકઠું કર્યું અને મસુરના કિલ્લા ઉપર હમલો કરીને, પતિને પેશ્વાના પ્રતિનિધિ બાપુ ગોખલેના હાથમાંથી છોડાવી લીધો. એટલેથી એ સંતોષ પામીને બેસી ન રહી. એ જાણતી હતી કે, પેશ્વા જેવી જબરજસ્ત સત્તા સાથે યુદ્ધ કરવાથી પોતાનું કાંઈ વળવાનું નથી, પણ પરતંત્ર અવસ્થામાં રહીને, પેશ્વાએ આપેલું અન્ન ખાવું, એ તેના જેવી વીર સ્ત્રીથી કેવી રીતે સહન થાય? એટલા માટે એણે બાસોટાનો કિલ્લો પોતાના કબજામાં લઈ લીધો.

એક સ્ત્રીને હાથે હાર ખાધાથી બાપુ ગોખલે ઘણો શરમાઈ ગયો. એ કલંક ધોઈ નાખવા માટે તેણે સૈન્ય સાથે બાસોટાના કિલ્લા ઉપર છાપો માર્યો. છાપો તો માર્યો, પણ કિલ્લાની અંદર પેસવાનો લાગ મળ્યો નહિ. જે બાપુ ગોખલેએ ટીપુ અને હૈદર જેવા શૂરવીરોને દબાવી દીધા હતા, તેજ બાપુ ગોખલે એક સ્ત્રીથી રક્ષિત થયેલા બાસોટાના કિલ્લાની બહાર આઠ મહિના સુધી તંબૂ ઠોકીને પડ્યો રહ્યો; પરંતુ ઘણા પ્રયત્ન કર્યા છતાં, એ કિલ્લાને તે તોડી શક્યો નહિ. આ વખતે બાપુ ગોખલેને ઘણીજ