પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



મને ગર્ભ રહી જશે તો હું શો ઉત્તર આપીશ.” કુમારે તેને પોતાની વીંટી કાઢી આપીને કહ્યું: “તું જરા પણ બીક રાખીશ નહિ. હું શત્રુઓને જીતીને હમણાં પાછો આવું છું. ત્યાંસુધી મારા સ્મારક તરીકે આ વીંટી સાચવજે.” વિદાય થતી વખતે અંજનાએ વીરાંગનાને છાજે એવા શબ્દોમાં પતિને પ્રોત્સાહન આપ્યું કે, “વહાલા ! રણભૂમિમાં તમારા શૌર્ય અને પરાક્રમથી બધાને ચકિત કરી દેજો, વહાલા ! અનેક વર્ષોના વિરહ પછી આપ મને પ્રેમરસનું પાન કરાવી ગયા છો, એજ સંયોગની રાતે તરતજ વિયોગનો વસમો પ્રસંગ આવે છે, તેથી મારૂં હૃદય ચિરાઈ જાય છે, પણ કર્તવ્યપથમાં જતાં તમને રોકવામાં હું અધર્મ ગણું છું. તમે સંસારને તમારી વીરતાનો પરિચય આપી, ચશસ્વી બની, ઝળહળતી કીર્તિ સહિત પાછા ફરશો એટલે મારા બધા દુઃખનો બદલો વળી રહેશે. વહાલા સુખે સિધાવો અને વિજય પ્રાપ્ત કરો.”

પતિને વિદાય કરી અંજનાએ ધર્મકાર્યમાં ચિત્તને પરોવ્યું.

“શુદ્ધ સામાયિક ઉચરે, કરે ધ્યાન ધર્મનું ઘડી દોઈ ચાર તો;
પાંચપર્વી ત૫ ઉચરે, બારે વ્રત પઢ્યાં તિણે નિરધાર તો.
સાંજે બેસીને સઝાય કરે ભાવના વા૨ ચિંતવે મનમાંય તો;
પાછલી રાતે તો ૫ઢે ગુણે, એણી પેરે અંજનાના દિન જાય તો.”

અંજનાસુંદરીને એક રાતના સમાગમમાંજ ગર્ભ રહી ગયો. ગર્ભનાં ચિહ્‌ન ધીમે ધીમે પ્રગટ થવા લાગ્યાં, એ જોઈને સાસુને શંકા થઇ કે પુત્ર તો યુદ્ધ કરવા ગયો છે અને વહુને ગર્ભ કેવી રીતે રહ્યો ? તેને અંજનાના ચારિત્ર્ય વિષે સંદેહ ઉત્પન્ન થયો. અંજનાએ વિનયપૂર્વક ખરૂં કારણ જણાવી દીધું, પણું સાસુને વિશ્વાસ ન આવ્યો. તેણે તો પુત્રવધૂનો તિરસ્કાર કરીને કહ્યું:—

“જૂઠ મા બોલ તું પાપિણી, મોહટે કુળે કુનાર;
એહ અનર્થજ તેં કર્યો, તેણે તુજને ધિક્કાર.
આ કાર્ય ખોટું તેં કર્યું, લોપી કુલની લાજ;
તું કુલ ખંપણ ઉપની, પ્રત્યક્ષ દીઠી આજ.
તારૂં મુખ દીઠાં થકાં, લાગે અમને પાપ;
ઉલટા કર્મ સમાચર્યાં, ઉપજાવ્યો સંતાપ.”

સાસુનાં વચન સાંભળીને અંજનાને મૂર્ચ્છા આવી ગઈ. જેણે પરપુરુષનો સ્વપ્ને પણ વિચાર ન કર્યો હોય, એવી સ્ત્રીને માટે