પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

४९-गंगामणि

નંદમયીદેવીની ફોઈની દીકરીનું નામ ગંગામણિ હતું. એ પણ વિદુષી હતી. નાની નાની કવિતાઓ તથા વિવાહ વખતે ગાવા લાયક ગીત એણે ઘણાં રચ્યાં છે. એ સુંદર ગીતો આજદિન સુધી બંગાળી મહિલાઓ વિવાહ પ્રસંગે ગાય છે. તેણે રચેલો “સીતાજીનો વિવાહ” ઘણો પ્રસિદ્ધ છે. તેના પિતાનું નામ લાલા રામપ્રસાદ રાય હતું. પયગ્રામનિવાસી પ્રભાકરવંશી પ્રાણકૃષ્ણ સેન સાથે તેનું લગ્ન થયું હતું. ગંગામણિના ગર્ભમાં ત્રણ પુત્ર અને ત્રણ કન્યાએ જન્મ ધારણ કર્યો હતો. તેની વચલી કન્યાનું લગ્ન રાજા રાજવલ્લભના પૌત્ર રામકાનાઇ સાથે થયું હતું. ગંગામણિનો વંશ હવે લોપ થયો છે, પણ તેનાં કાવ્યોએ હજુ સુધી તેનું નામ અમર રાખ્યું છે.

५०-उधमबाई

ધમબાઈ મહમદશાહ બાદશાહની રાણી હતી. એનો જન્મ હિજરી સન ૧૧૪૦માં થયો હતો. અહમદશાહ ભારતવર્ષનો બાદશાહ થયો, તે વખતે તેણે પોતાની બુદ્ધિમાન માતાને નવાબબાઇની ઉપાધિથી વિભૂષિત કરી હતી. તેની ભલામણ ઉપરથી જ ખ્વાજાસરાહને નવાબ બહાદુરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ઉધમબાઈ ઘણી સદાચારી અને પરોપકારી રમણી હતી. પાછલી વયમાં તે નવાબ કુદસિયા સાહેબાઝમાનીના નામથી પ્રસિદ્ધ થઈ છે. તેણે હિજરી સન ૧૧૬૪ માં કિલ્લા શાહજહાંબાદની પાસે એક સુંદર મસ્જિદ બંધાવી હતી, જે સોનેરી મસ્જિદના નામથી પ્રખ્યાત છે.