પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
ગૌરીબાઈ


 મંદિરની પાસે એક ધર્મશાળા બંધાવી આપી તથા સદાવ્રતનો પણ બંદોબસ્ત કર્યો. હવે સેંકડો સાધુસંત તથા વટેમાર્ગુઓ ત્યાં આવીને આશ્રય લેવા લાગ્યા. દૂર દેશાવરથી લોકો ગૌરીબાઈનાં દર્શન કરવા આવવા લાગ્યા અને ત્યાં મોટી ભીડ જામવા લાગી.

એક દિવસ સાધુઓની એક મોટી જમાત આવીને એ ધર્મશાળામાં ઊતરી. એ જમાતમાં એક સાધુ ઘણો વિદ્વાન અને યોગી હતો. ગોરીબાઈને જોઈને એ પ્રસન્ન થઈને બોલ્યો “બેટા! હું તારાથી ઘણો પ્રસન્ન થયો છું. તું મીરાંબાઈનો અવતાર છે. એ જન્મમાં જ્ઞાનની થોડીક કસર રહી ગઈ હતી, તે પૂરી કરવા તારે ફરીથી અવતાર લેવો પડ્યો છે.”

એટલું કહીને સાધુ મહાશય બાઈને એકાંત સ્થાનમાં લઈ ગયા અને બ્રહ્મજ્ઞાન્, આત્મજ્ઞાન તથા યોગવિદ્યાનો પૂરો ઉપદેશ આપીને બોલ્યા: “બસ, હવે વધારે વિલંબ નથી, તું હવે જ્ઞાન અને યોગમાર્ગમાં પ્રવીણ થઈ ગઈ છું.” સાધુએ ગૌરીબાઈને બાલમુકુંદજીની મૂર્તિ આપી તથા તેના માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ દઈને અંતર્ધાન થઈ ગયા. લોકોને એથી ઘણું આશ્ચર્ય પામ્યા અને ગૌરીબાઈની પ્રશંસા કરવા લાગ્યા.

એ દિવસથી ગૌરીબાઈ સમાધિમાં વધારે લીન રહેવા લાગી. એમ કહેવાય છે કે, ધીમે ધીમે એને સમાધિનો એટલો બધો અભ્યાસ થઈ ગયો કે એ પંદર દિવસ સુધી ખાવુંપીવું છોડી દઈને શ્વાસ રૂંધીને સમાધિમાં બેસી રહેતી. જ્યારે એ સમાધિમાં બેસતી હતી, ત્યારે લોકો એને એક ઓરડીમાં કુશાસન પર બિરાજેલી છોડી જઈને બહારથી તાળું વાસી દેતા. કોઈ મનુષ્ય એની પાસે જઈ શકતું નહિ. સમાધિ છૂટ્યા પછી બધા સેવકો તેને બહાર લાવતા અને ગરમ પાણીથી સ્નાન કરાવીને પૂજન કરતા. થોડાક જ દિવસમાં ગૌરીબાઈને વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ અર્થાત્ એના મોંમાંથી જે કાંઈ શબ્દો નીકળતા તે સત્ય નીવડતા. લોકોની ભક્તિ તેના ઉપર ઘણી જ વધી ગઈ અને બધા તેને સાક્ષાત માતા ભગવતીના જેવી ગણવા લાગ્યા. સમાધિ કરવાનો અભ્યાસ કરવા માંડ્યો ત્યારથી એ કેવળ અચ્છેર દૂધ ઉપરજ રહેતી હતી.

સંવત ૧૮૬૦ સુધી આ પ્રમાણે થતું રહ્યું. આખરે તેણે જોયું કે દર્શન કરવા સારૂ લોકોના આવ્યા ગયાથી ઘણી ભીડ રહે છે