પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો

 અને દૈનિક કર્મ કરવામાં અડચણ પડે છે, તેથી યાત્રા કરવા જવાનો સંકલ્પ કર્યો અને ડુંગરપુરમાંથી પ્રયાણ કર્યું. રસ્તામાં એ જયપુર શહેરમાં ઊતરી. ત્યાંના રાજાએ તેનો ઘણો આદરસત્કાર કર્યો તથા પાંચ મહોરો ભેટ કરી અને જયપુરમાંજ વસવાની પ્રાર્થના કરી; પરંતુ ગૌરીબાઈએ તેમની એ પ્રાર્થનાનો સ્વીકાર ન કર્યો તથા એ સેનામહોરો પણ પાછી આપી. જયપુરના મહારાજના ઘણાજ આગ્રહને વશ થઈને એ પાંચ મહેરો તો એને સ્વીકારવી જ પડી, પણ એમાંથી એક પૈસો પણ એણે પોતાના ઉપયોગમાં લીધો નહિ. બધા પૈસા બ્રાહ્મણોમાં વહેંચી દીધા. ત્યાંથી એ મથુરા, વૃંદાવન આદિ તીર્થોમાં ફરતી ફરતી કાશીમાં જઈ પહોંચી અને ગંગાના કિનારે એક ઝુંપડી બાંધીને ત્યાં રહેવા લાગી.

બનારસના રાજા સુંદરસિંહ ઘણા ધાર્મિક અને સાધુસંતોના ભક્ત હતા. ગૌરીબાઈના કાશીમાં પધાર્યાના સમાચાર સાંભળતાંવારજ એ ત્યાં પહોંચ્યા અને પચાસ હજાર રૂપિયા ગોરીબાઈને ભેટ કર્યા તથા તેની ઘણી સ્તુતિ કરી.

ગૌરીબાઈ ત્યાંથી ચાલીને જગન્નાથપુરી અને રામેશ્વરની યાત્રા કરતી કરતી પાછી બનારસ પહોંચી અને થોડા દિવસ ત્યાંજ રહી. એ અરસામાં પણ એ દરરોજ સમાધિ કરતી.

ગૌરીબાઈની પૂરી કૃપા તેના એક ભાણેજની કન્યા ચતુરીબાઈ ઉપર હતી. ચતુરીબાઈને ગૌરીબાઈનો સત્સંગ પૂરો લાગ્યો હતો. તેની વૃત્તિ સાંસારિક કામો ઉપરથી બિલકુલ ઊઠી ગઈ હતી. તે ગૌરીબાઈના ચરિત્રનું ધ્યાનપૂર્વક અવલોકન કરતી હતી અને તેને જ પગલે ચાલતી હતી. મૃત્યુકાળ પાસે આવ્યો, ત્યારે ગૌરીબાઈને તેની ખબર યોગબળથી પહેલેથી જ પડી ગઈ હતી. ગૌરીઆઈના સદુપદેશથી ચતુરીબાઈનું હૃદય એટલું દૃઢ થઈ ગયું હતું કે, એ સાંસારિક સુખવૈભવોને તુચ્છ ગણીને ધિકકારતી હતી.

સાધુ પાસેથી પોતાને મળેલી મૂર્તિ પણ ગૌરીબાઈએ અંત સમયે ચતુરીબાઈને આપી હતી અને તેની અંતઃકરણપૂર્વક સેવા કરવાનો ઉપદેશ આપ્યો હતો.

સંવત ૧૮૬૫, ચૈત્ર સુદ ૯ ને દિને, મધ્યાહ્‌ન કાળે રઘુપતિ રામના જન્મોત્સવની આખા શહેરમાં ધામધૂમ થઈ રહી