પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 કેવી રીતે બેસી રહું?” એવા એવા વિચારો એના મનમાં આવવા લાગ્યા. વિવાહની ક્રિયા સમાપ્ત થઈ રહ્યા પછી, તેણે પોતાનો ઘોડો મંગાવ્યો અને વિવાહની ચોરીમાંથી વરરાજાના વેશમાંજ પિતાના સૈન્યને જઈ મળવા માટે તે ઘોડેસવાર થઈને ચાલ્યો.

સસરાએ, ગોરે તથા બીજા સંબંધીઓએ નવી પત્નીની ખાતર એક દિવસ રોકાઈને જવાનો ઘણો આગ્રહ કર્યો, પણ એણે જરા પણ વિલંબ કરવાનું યોગ્ય ધાર્યું નહિ. જતી વખતે તરુણ પત્નીના સામું જોઈને કહ્યું: “વહાલિ ! હું રજપૂત વીર છું. પત્નીની સાથે વાતચીત કરવાના લોભમાં ક્ષણભરને માટે પણ લડાઈમાં જવાનું મુલતવી રાખી શકું એમ નથી. ઈશ્વરેચ્છા હશે તો આ જીવનમાં મળીશુ. તું રજપૂત બાળા છે. જરા પણ ખોટું લગાડીશ નહિ. ઉદાર મનથી મને વિદાય આપ. કદાચ મારું મોત પણ થાય. આ જીવનમાં આપણે એકબીજાને જોવા ન પણ પામીએ, તો તેથી દિલગીર થતી નહિ. બીજા જન્મમાં આપણે પાછાં જરૂર મળીશુ. આપણું આ લગ્ન આ જન્મને માટે નથી, પણ આવતા જન્મને માટે છે એમ ધારજે.”

કુમારીએ કહ્યું: “તમે રજપૂત વીર છો, તેમ હું પણ રજપૂતનીજ કન્યા છું અને તમારા જેવા વીર રજપૂતની સહધર્મિણી થઈ છું. વીરધર્મ શો છે, તે હું સારી પેઠે સમજું છું. પાર્થિવ સુખને માટે વીર ધર્મની વિરુદ્ધ આચરણ હું કદી નહિ કરું. તમે બેલાશક જાઓ. મારો વિચાર આણશો નહિ. મારી કાંઈ પણ ચિંતા કર્યા વગર વીરતાથી દુશ્મનનાં શિર કાપી નાખજો. આજના આ બનાવથી નિરાશ થવાનું કાંઈ પણ પ્રયોજન નથી. કદાચ ભવિષ્યમાં આપની સાથે મેળાપ ન પણ થાય, તો એ દુઃખ હું આપના વીરત્વ અને આપના ત્યાગનું સ્મરણ કરીને, સહેલાઈથી સહન કરીશ અને તમારી અનુગામિની થઇને પરલોકમાં હું તમને આવી મળીશ.”

મેહત્રીકુમારે તરતજ ઘોડો મારી મૂક્યો. તેના પિતા પોતાના સૈન્ય સાથે યુદ્ધમાં જવાને તૈયાર થઈને બેઠા હતા, તે જગ્યા ત્યાંથી એંશી ગાઉ દૂર હતી. બે રાત અને એક દિવસમાં એંશી ગાઉનો રસ્તો કાપીને વીરયુવક યુદ્ધમાં સામેલ થયો. વરરાજાના વેશમાં તેને યુદ્ધક્ષેત્રમાં આવેલો જોઈ, બધા આશ્ચર્ય પામી ગયા. કાનમાં ઉજ્જવળ મોતી, ગળામાં સુવર્ણનો હાર,