પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
નીરકીકુમારી



એવા વેશમાં એંશી કોશ રસ્તો કાપીને આવવા માટે ભાટ કવિએ તેનાં ઘણાં વખાણ કર્યા.

સ્વામીના ચાલ્યા ગયા પછી, નીરકીકુમારી પણ પિયેરમાં રહી શકી નહિ. તરતજ તેણે પોતાને સાસરે વળાવવાનો માતપિતાને આગ્રહ કર્યો.

યુદ્ધનું શું પરિણામ આવ્યું છે તે જાણ્યા વગર, એવા લાંબા રસ્તે કન્યાને મોકલવાની તેનાં માતાપિતાને ઇચ્છા નહોતી. માતાએ તેને ઘણું સમજાવી, પણ તેણે માતાને જવાબ આપ્યો કે, "મા ! હવે મારાથી અહીંયાં કેવી રીતે રહેવાય ? સ્વામી તો યુદ્ધમાં ગયા છે અને હું નિશ્ચિંત કેવી રીતે બેસી રહું? હું તો જવાની. જો એક દિવસ પણ તેમને જીવતા જોઈશ, તો મારો આ જન્મારો સાર્થક થશે. કદાપિ તેમનું મૃત્યુ થશે, તો પણ ત્યાં હોવાથી હું એકજ ચિતામાં તેમની સાથે બળી શકીશ. આ જીવનમાં ફક્ત એટલા જ સુખની આશા બાકી છે. મને અહીંયાં રાખી મૂકીને મારી એટલી આશા પણ પૂર્ણ નહિ થવા દો ?”

માતાએ હવે આનાકાની કરી નહિ. નીરકીસરદારે વગર વિલંબે કન્યાને સાસરે વળાવી. નીરકીકન્યાએ સાસરે પહોંચતાં વારજ શું જોયું? જોયું કે ચિતા તૈયાર છે અને તેના ઉપર સ્વામીનો મૃતદેહ સુવાડવામાં આવ્યો છે. એક વાર પણ સ્વામીને જીવતા જોવાની આશામાં બિચારી અહીં સુધી આવી હતી, પણ ક્રૂર કાળે તેની એ આશા પણ સફળ થવા દીધી નહિ. ક્ષણભરને માટે પતિને જોયા હોત, તો એ આ જીવનનું સાર્થક સમજત; પણ વિધાતાએ તેને એટલા જરા સરખા સુખથી પણ વંચિત રાખી. નીરકીકુમારીએ એ વખતે સ્વામીના મૃત દેહની તરફ જોઈને કહ્યું: “પ્રભુ આ જીવનમાં તો હું તમને મળી શકી નહિ. પરલોક સન્મુખ છે, ત્યાં આપણને મળતાં કોણ રોકી શકનાર છે ?”

એમ કહીને મુરબ્બીઓના ચરણની રજ લઈને નવવધૂ નીરકીકુમારી સ્વામીને આલિંગન દઈને, સળગતી ચિતામાં સ્વામીની સાથેજ સૂઈ ગઈ.

આંસુભરી આંખે સગાંઓએ ચિતામાં આગ મૂકી.

વર–વહુનું પ્રથમ આણું ચિતામાંજ થયું. અગ્નિદેવે એ શય્યામાંજ વરવહુના પવિત્ર દેહને ભસ્મરૂપ બનાવી દીધો.