પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સતી અંજના

 આથી વધારે કલંક બીજુ કયું હોય ? સાસુએ જઈને પતિને એ વાત જણાવી. તેણે એક રથમાં બેસાડીને અંજનાને પિયેર ભણી વિદાય કરી અને એક પત્રદ્વારા એને કાઢી મૂકવાનું કારણ પણ વેવાઈને જણાવ્યું.

દુરાચારનો આરોપ મુકાયલી પુત્રીને ભારતવર્ષમાં કયો પિતા સંઘરે ? મહેંદ્રરાજે પુત્રીનો તિરસ્કાર કરીને ઘર બહાર કાઢી મૂકી. માતા હૃદયસુંદરીને કાંઈ દયા આવી એટલે એણે પુત્રીને બોલાવી, દિલાસો આપીને ખરી હકીકત પૂછી. એને પુત્રીની નિર્દોષતાની ખાતરી થઈ, પણ લોકલાજ તથા પતિના ક્રોધનો વિચાર કરીને તેણે પણ પુત્રીને અરણ્યમાંજ મેકવી આપી અને તેની સંભાળ સારૂ દાસી વસંતતિલકાને સાથે મોકલવાની વ્યવસ્થા કરી.

અંજનાના એ સમયના દુઃખનો પાર રહ્યો નહિ. માતાપિતાએ ઘરમાં ઊભી રાખી નહિ, સગાંવહાલાં, પડોશી સૌ એની નિંદા કરવા લાગ્યાં. ભૂખે ને તરસે એનો કંઠ સુકાઈ જવા લાગ્યો. એને ટળવળતી જોઈને ગામના એક બ્રાહ્મણને દયા આવી અને તે પીવાનું પાણી લઈ આવ્યો, પણ ટેકીલી અંજનાએ કહ્યું:

“પાણી હો બાંધવ શું કરૂં, નગરમાંહે હું તો નહિ પીઉં નીર તો;
પોળ જાહેર પાણી વાવરૂં, પોળ માંહે મારા બાપની આણ તો.”

વસંતતિલકાને અંજનાનાં માતપિતા તથા ભાઈભાંડુની આ વર્તણુંક ઘણીજ અસહ્ય અને અપમાનજનક લાગી. તેણે તેમનો ઘણો તિરસ્કાર કર્યો, પણ અંજનાના હૃદયમાં કોઇના દોષ વસ્યા નહિ. બધાંનો બચાવ કરીને તેણે સખીને કહ્યું:

“બાપ માહરો નિર્મળો, એણે કોઈને નથી દીધું આળ તો;
માતા છે મહારી મહાસતી, પતિવ્રતા ધર્મતણી પ્રતિપાલ જો.
બંધવ ભક્ત છે બાપના, એમને કોઈને નવ દીજીએ દોષ તો.
પૂર્વે પુણ્ય કીધાં નહિ, એ સહુ આપણાં કર્મનો દોષ તો.”

આ પ્રમાણે કર્મને દોષ દઈને તેણે સંતોષપૂર્વક અરણ્યવાસ સ્વીકાર્યો. ત્યાં આગળ એને એક સાધુના દર્શન થયાં. તેણે એને પૂર્વજન્મનો વૃતાંત જણાવ્યો અને કયા દોષના પ્રાયશ્ચિત્તરૂપે આ કલંક લાગ્યું તે જણાવ્યું. અંજનાની ધર્મવૃત્તિ એથી વધારે સતેજ થઈ અને એ વિશેષ ઉત્સાહથી ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્ત થઈ.

એ અરણ્યની ગુફામાં અંજનાએ એક પુત્રને જન્મ આપ્યો.